પૃષ્ઠ:Palkara.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
8
પલકારા
 

“વેલ, વેલ, વેલ !” માસ્તર સાહેબે આગળ ચલાવ્યું : “ભાઈઓ , જગતમાં સત્ય જ સદા જીતે છે. કોણ જીતે છે ? કોણ ? કોણ ? સ… !”

“…ત્ય !” સામટો અવાજ થયો.

“નહિ, ચાલાકી.” એક અવાજ જુદો પડ્યો.

“એકલી ચાલાકી ન જીતે, કદી ન જીતે.” માસ્તર સાહેબે એ પરિચિત અવાજ કરનારને જવાબ દીધો. છેલ્લી બેન્ચ પરનો ડાહ્યો ડમરો બેઠેલો એ છોકરો હતો.

“મી…યાં…ઉ !” પુનઃ કોઈએ બિલ્લી બોલાવી. ક્લાસ સ્તબ્ધ બન્યો. સહુએ પછવાડે જોયું.

“વેલ, વેલ, વેલ !” માસ્તર સાહેબે બીજું સૂત્ર વાંચ્યું : “ઇન ધિસ વર્લ્ડ, વર્‌ચ્યુ ઇઝ ઑલ્વેઇઝ રિવૉર્ડેડ ઍન્ડ વાઇસ પનિશ્ડ.” (આ જગતમાં સદ્‌ગુણીને હંમેશાં લાભ મળે છે, દુર્ગુણીને દંડ પડે છે.)

“શું સમજ્યા ? વાઈસ ઇઝ, વાઇસ ઇઝ પનિ…”

“પનિશ્ડ.” સામટો શ્રદ્ધાભર્યો ઘોષ ઊઠ્યો.

“હાં, શાબાશ ! શાબાશ ! તમે મિસ્તર.” છેલ્લી બેન્ચવાળા વિનીત દેખાતા છોકરા તરફ માસ્તર સાહેબે નેતર ચીંધી : “તમે કહો જોઉં કેવી રીતે સદ્‌ગુણી મનુષ્ય લાભ પામે છે ને દુર્ગુણીને દંડ મળે છે ?”

“લાભ તો, સાહેબ, પૈસાથી મળે છે !” છોકરાએ નવું સત્ય કહ્યું.

“નહિ નહિ !”

“ઘણા પૈસાવાળા દુર્ગણી હોય છે, સાહેબ ! છતાં એ મજા કરે છે.”

“નહિ, નહિ, નહિ, મિસ્તર !” માસ્તર સાહેબે જુસ્સાભેર વિરોધ ચલાવ્યો : “એને પૈસા હશે, પણ સુખ નહિ હોય, હી વિલ ઑલ્લેઇઝ બી ટ્રબલ્ડ બાઇ હિઝ ઓન કોન - કોન – શું ? કહો તો કોઈ, કોન-”

“કૉન્સ્ટિપેશન, સાહેબ !” એ છેલ્લી બેન્ચના છોકરાએ જવાબ દીધો. (“કૉન્ટિપેશન” એટલે બદહજમી.)

આખો ક્લાસ હસી પડ્યો. માસ્તર સાહેબ બાપડા હાસ્ય અને રોષની વચ્ચે લટકી પડ્યા.