પૃષ્ઠ:Palkara.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
162
પલકારા
 

મેળવશે તો ફરીથી મોજ કરશું. આજ તો જુહાર છે સહુને.” થોથરાતો થોથરાતો એટલું એ માંડ બોલી શક્યો.

ખેડુના પુત્રો વીખરાયા. કોઈ જખ્મીઓ, કોઈ ધીંગાણે હારેલા, કોઈ કાણા ને ઠૂંઠા થયેલા, કોઈ પોતાના ભાઈને કે બેટા–બાપને હારી બેઠેલા, એવા સહુને વિદાય લેતાં વસમું લાગ્યું. ફતેહને સામૈયે ચડીને એક વાર રાજધાનીના દુર્ગના તોરણ હેઠે નીકળવું હતું તે કોડ અધુરા રહ્યા. પોતાના મૂવેલા બાપની તૂટેલી શરણાઈ લઈને ટુ ટુ ટુ ટુ જ વગાડી જાણનારો એક બાર વરસનો મીરનો છોકરો તો ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો. પાંચાભાઈએ તમામ ધીંગાણામાં જ એ બાળકનો ઘોડો પોતાના ઘોડાને પડખે જ રાખેલો. એ બાળક જ એનો એકનો એક શૂરાતન ચડાવનાર બજવૈયો હતો. ટુ ટુ ટુ ટુ ટુ એવા એનાં પંચાક્ષરી શરણાઈ-નાદ પાંચાને કાને ગુંજી રહ્યા.

ભાઈજીની ઘોડાગાડી જ્યારે પાટનગર તરફ જવા ચાલી ત્યારે પાંચો પોતાનું રડવું ખાળવા માટે ચહેરો ચોળતો ઊભેલો.

છાપાવાળા મિત્રને પણ એણે વિદાય દીધી. એક વાર પેલી તસવીર લઈને પાંચેય છોકરાંને એણે ચૂમીઓ ભરી.

પોતાના ગામડા તરફ લઈ જનાર માર્ગ એને ગળી જતા અજગર જેવો ભાસ્યો.

[14]

ઘરે આવીને પાંચાએ કમરબંધ, કારતૂસનો પટ્ટો અને તલવાર-તમંચો ઉતારી ખીંટીએ લટકાવ્યાં. બાપના ખેતરમાં સાંતી ફેરવવા લાગ્યો. નવી બળદો વસાવ્યા. ઢોરની નવી ઓલાદ નિપજાવવા માટે એણે જાતવંત દેસાણ ગાયો, નાગેલ ભેંસો તેમ જ ખાનદાન ઘોડીઓ લીધી. નાનાં સુંવાળા વાછડાં તેમ જ વછેરાંને નદીના ધરામાં લઈ જઈ નવરાવવાનું ને તેમની રુવાંટીએ ઈતરડીઓ ચૂંટવાનું પાંચાને બહુ ગમતું.

પાંચાની વહુએ પરસાળની થાંભલીએ થાંભલીએ વલોણાં ઘુમાવવાનું શરૂ કર્યું. વહેલી પરોઢની રવાઈઓના ઘમકારા સંભળાતા. ગામલોકને શીતળ