પૃષ્ઠ:Palkara.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
166
પલકારા
 

ભાઈજી એક કાગળિયા ઉપર કાંઈક લખતા હતા. અર્ધું લખ્યું, ત્યાં ગોળીથી વીંધી નાખ્યા.”

“શું લખ્યું ?” પાંચો હજુ સ્વપ્નલોકનાં પગથિયાં ઊતરતો હતો.

“સંભળાય છે કે ખેડુના હક્કનો નવો ધારો લખતા’તા; પણ ત્યાં તો એ કાગળિયો ભાઈજીની છાતીના લોહીમાં ભીંજાઈ ગયો.”

પાંચાએ આંખો ખોલી. એના હાથ શરીરને ખજવાળવાનું થંભાવીને મોં ઉપર ફર્યા. એણે આંખોને ચોળી નાખી ત્યારે માંડ નિદ્રા ઊડી, બોલનારને એણે તારોડિયાનાં અજવાળામાં પિછાન્યો : “કોણ, છાપાવાળો !”

વર્તમાનપત્રી દોસ્તે ડોકું હલાવ્યું.

મિત્રે કહેલા સમાચાર જાણે હજુ હવે જ પાંચાના લક્ષ પર પડ્યા.

એણે થોડી ઘડી લમણાં દબાવ્યાં.

પછી એ ઊઠ્યો. દોસ્તને એટલું જ કહ્યું : “તારી કને કાંઈ ખરચી છે ?”

“કેમ ?”

“રાજનગર પહોંચવું છે. ઊઠ.”

ખીંટી પર લટકતો કમરબંધ એણે ફરી વાર શરીરે લપેટ્યો. ને ઘોડો પલાણ્યો.

પહેલો પ્રથમ પાંચાનો અશ્વ નાના ભાઈબંધ શરણાઈવાળાને ઝૂંપડે જઈ થંભ્યો. પાંચાએ હાક મારી : “ભાઈબંધ ટુ-ટુ-ટુ-ટુ હોઈ ! હાલો ભાઈલા ! જનમભોમ બોલાવે છે.”

પપૂડું લઈને મીરનો બાળ ઘોડે ચડ્યો. એનું સ્થાન પાંચાભાઈની બાજુમાં જ હતું. એ બાળ-પપૂડાના ટુ-ટુ-કારે ગામોગામની સુસ્તી ઉડાડી. ખેડુ અને ગોવાળની નિર્જીવ દુનિયામાં એ બાળકના રણશિંગાએ રોમાંચ જગાવ્યો. અસ્ત્રશસ્ત્રોનાં વન-જંગલો ઊભાં થયાં. ગામોગામ ઘોડાના ધમધમ ધ્વનિ થયા. ચોરે ને ઠાકુરદ્વારે નગારાં બજ્યાં. પાંચાની હાકલ પડી મર્દાઈએ આળસ મરડી. ‘તમને બોલાવે છે. જનમભોમ બોલાવે છે !’ રણ-પુકાર ગાજતો ગાજતો સીમાડે સીમાડે સંભળાયો.