પૃષ્ઠ:Palkara.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
167
 

રાજનગરીના દુર્ગ પર તો એક વર્ષથી દારૂગોળાની ગોઠવણી તૈયાર થઈ રહી હતી. ઉમરાવો અને રાજકુલના નબીરાઓ જોડે ષડ્યંત્રની જાળ પાથરનાર સેનાપતિ પાંચાની ફોજનું સ્વાગત કરવા સજજ હતો,

એણે તાકી તાકીને લજ્જતથી તોપો-બંદૂકોની ખપ્પરજોગણીઓ છોડી.

ધુંવાધાર ધસ્યે આવતા ગ્રામ્ય દળકટકના કૈંક સુભટો ઊછળી ઉછળીને પટકાયા.

પટકાવા દ્યો ! તોપો ચરે તેટલો ચારો ચરવા દ્યો ! પાંચો નહિ હેબતાય. એણે તો એ ચૂંથેચૂંથાની વચ્ચે વેગ કર્યો. એને પલભર પણ અટકવાનું નહોતું. દમ છોડવાનીય એને તમા નહોતી.

એ, અને પડખે પપૂડાવાળો છોકરો : અભયની બે મૂર્તિઓ : ગોળીના મેહુલા વરસે છે તેમાં ભીંજાતા બે મોરલા જાણે ગહેકાટ કરે છે.

ને એક જ વાર પાંચો એ હલ્લાની વચ્ચે થંભ્યો. દુશ્મનોની એક ગોળીએ એના વહાલા પપૂડાવાળાને પછાડ્યો. વરસતી ગોળીઓ વચ્ચે એણે મૂએલા બાળને ખોળામાં લીધો; ચૂમી કરી. પછી એની સુંદર લાશને સૂતેલી છોડી પાંચો આગળ વધ્યો.

રાજનગર પાંચાને હાથ પડ્યું. તોપો-બંદૂકની સામગ્રી ખૂટી. તોપોનો ચારો ન ખૂટ્યો.

અમીરાતને પાંચાએ તુરંગમાં પૂરી. લશ્કરને બરાકોમાં ઘેરી લીધું. ને એણે વિજેતા તરીકે નગરમાં સવારી કાઢી પ્રવેશ કર્યો.

પહેલી યાત્રા પાંચાએ એ પુનિત સ્થાનની કરી, જે સ્થાને ભાઈજીએ તરફડિયાં મારતે મારતે ખેડુના હક્કના હુકમ પર સહી કરી હતી.

એ જ ખુરસી પર પોતે બેઠો. ભાઈજી કેવી છટાથી લખી રહેલ હશે તેનો અભિનય કર્યો. ભાઈજીના ઘાતક મિત્રદ્રોહી સેનાપતિને બંદીવાન દશામાં પોતાની સામે ખડો કર્યો.

“લેશો ?” કહીને પાંચાએ એ બંદીવાન સામે બીડી લંબાવી.

“માફ કરો. ને હવે મને જલદી ઉડાવી દો. એટલે છૂટકો પતી જાય.”