પૃષ્ઠ:Palkara.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
14
પલકારા
 

વર્ષની ભરજોબન સ્ત્રી અને બીજો પિસ્તાલીસ-પચાસ વર્ષનો પુખ્ત બાંધાનો, ઘણા પ્રયત્નો છતાં પણ વૃદ્ધ બનતો જતો પુરુષ, બેઉની વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો :

“જેવો બેવકૂફ છે તેવો જ પાછો વિદ્વાન છે.”

“એની બેવકૂફી તેમ જ વિદ્વત્તા બન્નેનો લાભ લઈ શકાય તેમ છે.”

“માની જાય તો તો એના નામનો ઢોલ પિટાવીએ.”

“હા, એ તો. લોકોને તો ‘પ્રોફેસર સાહેબ …નું કોલન વૉટર’ એટલું નામ જોરશોરથી ગોખાવી શકાય છે.”

“એ તો બધું મને આવડે છે. પોતાના નામની પ્રસિદ્ધિ નગરની દીવાલે દીવાલે દેખીને મૂરખો ખૂબ ફુલાય તેવો છે.”

“ને અત્યારે કોલન વૉટર દારૂને બદલે પીણું થઈ પડ્યું છે. માટે સમય ગુમાવવા જેવું નથી.”

“અરે, એક વાર નામ ચાલુ થાય પછી તો માલ કેમ તૈયાર કરવો એ બધું મને આવડે છે. એક નામની લેબોરેટરી એ બેવકૂફને કરી આપશું ને હરીફ કોલન વૉટરની શીશીઓ ખરીદી ખરીદી લેબલો ફેરવી માંડશું વેચવા. અત્યારે રાહ જોઈ બેસાય તેવું નથી.”

“કેમ ?”

“દરિયાકાંઠાના ખારવા, ડુંગરના ભીલો, ગામડાના કોળીઓ વગેરે કૉલન વૉટરનું ભડકિયું કરી કરી ખૂબ પીતા થયા છે.”

“તો તો સરસ.”

“મોટા પાયા પર કામ ઉપાડ્યું છે. એક-બે મુખ્ય સરકારી અમલદારો પણ શામિલ બને છે. ઘણી સગવડો મળશે.”

“તમે તો…”

“હ-હ-હ,” હસીને પુરુષે સિગારેટની રાખ ખંખેરી : “આ વર્ષે હું તમને નવી - બ્રેન્ડ ન્યૂ - કાર અપાવ્યા વિના રહેવાનો નથી.”

આટલી વાત થઈ ત્યાં માસ્તર સાહેબ મળવા આવી પહોંચ્યા.

“જે જે !” કહીને ઊભા રહ્યા.