પૃષ્ઠ:Palkara.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માસ્તર સાહેબ
21
 

ઉપર હલ્લો કર્યો : “બદમાશ ! દગલબાજ | મારી દસ વર્ષોની જૂની બનાવટ ઉપર તારાં લેબલ ચોડી ચોડીને હજારો સીસાઓ વેચી, તેં નાણાં, કર્યાં ! હવે તું બતાવજે, ક્યાં છે તારી ફાર્મસી ? હું તારા પર સીધી ‘ક્રિમિનલ’ જ કરીશ, મોટા ધાડપાડું !”

માસ્તર સાહેબ હેબતાઈ મોં વકાસી રહ્યા. આ બધી શી ઇંદ્રજાળ, છે ? હું શું ચોર છું ? મારી બનાવટનો આસવ તો મેં રોજેરોજ જંતુરહિત બતાવ્યો છે, મારી ફોર્મ્યુલા તો મેં નવી શોધેલી સ્વતંત્ર છે, ને આ શું બોલાઈ રહ્યું છે ?

“આ લે, બદમાશ ! તારું કરતુક તપાસી જો !” કહેતા, એ જૂના કેમિસ્ટે માસ્તર સાહેબના હાથમાં સીસો માર્યો. સીસો લઈને મારતર સાહેબ રસશાળામાં દોડ્યા. પરીક્ષા કરીને કાચ વડે નિહાળ્યું. અંદર જીવતાં જંતુઓ જોતાં જ એ થીજી ગયા.

કૌભાંડ ! પ્રચંડ કોઈ કૌભાંડ ! સીધો મારા માટે કારાગૃહનો જ માર્ગ ! હજારો સીસાઓ હમણાં પકડાશે.

ઉઘાડે માથે અને એક ખમીસભર માસ્તર સાહેબ બહાર નીકળ્યા. સંધ્યાના અંધકારમાં એણે દોડવાનું શરૂ કર્યું. દોડી દોડીને પોતે ક્યાં જાય છે ? ગમ નથી; દોડે જ છે ફક્ત. ધરતીનો કોઈ છેડો હોય તો ત્યાં પહોંચવા દોડે છે. સંતાવાનું, પોતાના ખુદના અંતરાત્માની જ આંખોથી સંતાઈ જવાનું સ્થાન કોઈ હોય તો ત્યાં જવા દોડે છે. એને ગાંડો સમજીને જોઈ રહેનારાં લોકો જાણે એને પકડવા ઊભાં હોય એવી ભીતિભર્યા એ દોડે છે. ઝાડનાં થડો આડે લપાઈ લપાઈ એ આગળ વધે છે. પોતાની છબીવાળાં લેબલ જ્યાં જ્યાં જોયાં ત્યાં ત્યાંથી લેબલો ચીરતા ચીરતા એ દોડે છે.

સ્કૂલની નોકરીમાંથી બરતરફ થયા પછી પણ જેણે નેકીને ખાતર છેલ્લી વારની બત્તી બુઝાવવી નહોતી ચૂકી, તેવા મનુષ્યે આજ હૈયું છુંદાઈ જાય તેટલું પ્રકાંડ તર્કટ પોતાની છાતી પર ખડકાયેલું દીઠું.

દોડી દોડીને એ થાકી ગયા. રઝળીને પાછા વળ્યા. પણ કારાગૃહની કડીને બદલે એક ઊલટી જ વાત એની રાહ જોતી ઊભી હતી.