પૃષ્ઠ:Palkara.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પલકારા
25
 

છે. તમે કદાચ મને નહિ ઓળખી શકો. આપણી ઓળખાણને હંમેશાં તાજી. રાખનારી મારી ચચ્ચાર દિવસની વધેલી દાઢી અને મારા કોટનાં પચરંગી બુતાન ચાલ્યાં ગયાં છે.”

હસાહસ થઈ રહી. બાંકડા ઉપર છોકરાઓના હાથની થપાટો પડી.

પ્રોપ્રાયટરના ગર્વનો પાર નહોતો. યુનિવર્સિટીનો એક મહાપુરુષ પોતાની હાઇસ્કૂલ ઉપર આટલું વહાલ ઢોળી રહ્યો હતો.

સ્કૂલના બીજા સંચાલકો, ટ્રસ્ટીઓ, સ્નેહીજનો વગેરે પણ અંદર અંદર ઇશારે કહેવા લાગ્યા : “સાહેબ અત્યારે ભારી ખીલ્યા છે હો !”

ને માસ્તર સાહેબે પોતાનું વ્યાખ્યાન આગળ ચલાવ્યું:

"વહાલા વિદ્યાર્થીઓ ! તમારા – અરે ભૂલ્યો, આપણા – માનવંતા , પ્રોપ્રાયટર સાહેબે તેમને કહ્યું કે હું આટલો મોટો માણસ થઈ ગયો, તે મારી અક્કલ હોશિયારીથી, મારી પ્રામાણિકતાથી ને આ નીતિસૂત્રોએ પ્રેરેલા મારા સરલ સદ્‌ગુણો થકી.”

“હીઅર ! હીઅર !” પ્રોપ્રાયટરે તાળીઓ પાડી. આખી સભાએ એ શબ્દો તાળીના અવાજે વધાવ્યા.

પ્રોપ્રાયટર તરફ માથું ઝુકાવીને માસ્તર સાહેબ આગળ વધ્યા :

"પણ વહાલા વિદ્યાર્થીઓ ! એ વાત હડહડતી જૂઠી છે, સાંગોપાંગ જૂઠી છે, જૂઠી છે.”

સહુ ચમક્યા. માસ્તર સાહેબે આગળ ચલાવ્યું :

“હું મોટો માણસ બન્યો, તે તો કુટિલતા, દંભ, કાવાદાવા અને નરી દુષ્ટતાની જ મદદ વડે. મારા આ ઉપલકિયા ચકચકાટની નીચે એક અધમ સ્વાર્થબાજીની બદબો છૂપાઈ છે. ને જગતમાં ઘણુંખરુંને એમ જ ચાલે છે.”

શ્રોતાઓ એકબીજાની સામે જોવા લાગ્યા.

પ્રોપ્રાયટરે માસ્તર સાહેબના કાનમાં ફૂંક મારી : “સાહેબ ! આપની તબિયત અત્યારે....”

માસ્તર સાહેબે વિદ્યાર્થીઓ તરફ ફરીને કહ્યું : “ભાઈઓ ! આપણા પ્રોપ્રાયટર સાહેબ મને ચેતાવે છે કે કદાચ મારી તબિયત નાદુરસ્ત હોવાને