પૃષ્ઠ:Palkara.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
પલકારા
 

કારણે તો હું આ બબડાટો નથી કરતો ને ? અફસોસ ! વહાલા વિદ્યાર્થીઓ ! મારી તબિયત બરાબર સારી છે. મારું માથું બરાબર ઠેકાણે છે. હું સંપૂર્ણ શુદ્ધિમાં જ આ શબ્દો બોલી રહ્યો છું. ખેર, એ વાત જવા દઈએ. હવે મારે આ સુવર્ણચંદ્રકનું ઇનામ આપવાનું છે, ખરું ?'

માસ્તર સાહેબે સોનાનો ચાંદ હાથમાં લીધો. ઉપર કોતરેલા શબ્દો વાંચ્યા :

“ઓહો ! આ તો ઇતિહાસ-ચંદ્રક : કોણ છે મારો ઇતિહાસ-નવેશ નાનો દોસ્ત ? આવે અહીં.”

પ્રોપ્રાયટરે નામ પોકાર્યું : સુંદર સૌમ્ય ગરવા ચહેરાવાળો એક વિદ્યાર્થી વર્ગને છેડેથી ચાલ્યો આવતો હતો. એના પોશાકમાં અમીરાત ભભકતી હતી.

માસ્તર સાહેબે ઝીણી નજર માંડી. ઓળખ્યો. આ તો ‘મીંયાઉં ! મીંયાઉં !' – જેને કારણે પોતાને રજા મળેલી.

માસ્તર સાહેબને સમજ પડી ગઈ.

“ઓહો ! તમે ઇતિહાસમાં પહેલે નંબરે આવ્યા ? શાબાશ ! શાબાશ !'"

ચંદ્રક પહેરવા માટે આતુરતાભેર વિદ્યાર્થી આગળ વધ્યો. માસ્તર સાહેબે કહ્યું : “સબૂર! સબૂર ! કહો જોઉં મારા ઇતિહાસ-નવેશ નાના દોસ્ત ! પાણીપતના પહેલા યુદ્ધ વિષે તમે શું જાણો છો ?

"પાણીપતનું પહેલું યુદ્ધ ?”

હા, પાણીપતનું પહેલું યુદ્ધ.”

“પાણીપતનું પહેલું યુદ્ધ.” વિદ્યાર્થીનો કડકડાટ કરતો અવાજ અટક્યો. સૂર નીચા ઊતર્યા: “પાણીપતનું પહેલું યુદ્ધ..”

વિદ્યાર્થી માથું ખંજવાળતો ઊભો રહ્યો.

"ફિકર નહિ, ફિકર નહિ, મારા ઇતિહાસ-નવેશ નાના દોસ્ત !” માસ્તરસાહેબે પ્રેમભરપૂર શબ્દો ઉચ્ચાર્યા : “કંઈ નહિ. કહે જોઉં, પાણીપતના બીજા યુદ્ધ વિષે તું શું જાણે છે ?