પૃષ્ઠ:Palkara.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પલકારા
27
 

“પાણીપતનું બીજું યુદ્ધ....” છોકરાના મોમાંથી ટંકાર-સ્વર નીકળ્યો ને એટલેથી જ ભાંગી ગયો : “પાણીપતના પહેલા યુદ્ધ પછી પાણીપતનું બીજું યુદ્ધ થયું. ને તે યુદ્ધમાં....'

છોકરાનો હાથ માથાના વાળ પર ગયો.

સભાજનોના મોઢાં લેવાઈ ગયાં, માસ્તર સાહેબે સહુના ચહેરા ઉપર નજર ફેરવી એ નજર જાણે કે છૂરી બનીને સહુનાં નાક કાપતી હતી.

શ્રોતાઓમાંથી કોઈક એક મનુષ્ય છૂપે સ્વરે છોકરાને પાણીપતના બીજા યુદ્ધ વિષે કંઈક યાદ લેવા . મહેનત કરતું હતું. માસ્તર સાહેબની નજર તે તરફ ગઈ. ઓળખ્યા. સુવર્ણચંદ્રક પાટે હર્ષાતુર બની બેઠેલાં એ છોકરાનાં માતુશ્રી, જેણે માસ્તર સાહેબને રૂખસદ અપાવી હતી : પોતાનાં શેઠાણીજી, જેણે પેલી રૅસ્ટોરામાં વખતસર હાજર થ ઈ શેઠજીની ઉપપત્નીને પ્રોફેસરનાં પત્ની થવાના સંજોગો ઊભા કર્યા હતા.

માસ્તર સાહેબે શેઠાણીજી પ્રત્યે એક માર્મિક નજર ફેંકીને પછી પેલા બાળકને ત્રીજી વાર પૂછ્યું : “હાં, ફિકર નહિ. કશી ફિકર નહિ. કહે જોઉં, મારા નાના દોસ્ત ! પાણીપતની ત્રીજી લડાઈ વિષે તું શું જાણે છે ?

"પાણીપતની ત્રીજી લડાઈ ! પાણીપતની બીજી લડાઈ પછી પાણીપતની ત્રીજી લડાઈ થઈ, ને એ લડાઈમાં... એ લડાઈમાં. એ.લડાઈમાં..એ.લડાઈમાં.”

છોકરાનો સૂર નીચે ઊતરી ગયો.

વારુ વારુ ! ફિકર નહિ. ફિકર નહિ. હાં, મારા વિદ્યાર્થી ભાઈઓ ! કહો જોઉં, તમારામાંથી કોઈને પાણીપતની પહેલી, બીજી ને ત્રીજી લડાઈ વિષે કંઈ આવડે છે ?”

“હા હા હા હા.” જબરો મધપૂડો ગાજી ઊઠયો. ઓગણપચાસ આંગળીઓ ઊંચી થઈ.

“તમે કહો !" માસ્તર સાહેબે એક બીજા વિદ્યાર્થી પ્રત્યે સોટી ચીંધાડી.

ત્રણેય લડાઈઓ વિષે એ છોકરાએ ઝપાટાબંધ બયાન આપી દીધું.