પૃષ્ઠ:Palkara.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નિવેદન

‘નવલિકાના બહુરંગી ક્ષેત્રમાં આ તમારો પ્રદેશ નવી જ ભાત પાડનારો છે, માટે એને છોડી ન દેતા’ : ‘પ્રતિમાઓ’ના ઘણા વાચકો તરફથી આવી સલાહ પડી હતી. તેનું પરિણામ આ ‘પલકારા’ની છ નવી વાર્તાઓ.

ચિત્રપટની કલાને હાનિકારક લેખનાર વર્ગ ઘણો મોટો છે. એથીય વધુ મોટો, સો-હજારગણો મોટો, સમૂહ ચિત્રપટનો પ્રેમી છે. સિનેમાનો વિરોધ કરવો એ વિજ્ઞાને માનવીને આપેલી એક અણમોલ ભેટનો અનાદર કરવા બરોબર છે. કરોડો સ્ત્રી-પુરુષો ને બાલકોનું એ આત્મિક અન્ન છે. એમાં ઝેર ભળ્યું છે તો ઝેરને જલદી કાઢી નાખો. એને ઉવેખો નહિ.

યુરોપી ચિત્રપટો હવે તિજોરીફાડો, ધાડપાડુઓ ને જાસૂસી દુનિયાનાં યશોગાન છોડીને સાંસારિક વસ્તુઓને પકડી રહેલ છે. તેઓએ જગતના નામાંકિત કથાસાહિત્યને પોતાની ‘પ્રકાશ અને પ્રતિધ્વનિ’ની જીભ પર ચડાવી લીધું છે. આમ સાહિત્ય અને ચિત્રપટની કલાનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે. ત્યાંથી પકડેલી આ કથાઓ છે.

મૂળ ચોપડીઓ મેં વાંચી નથી. આ વાર્તાઓમાં તો કેવળ છ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે :

માસ્તર સાહેબ : ‘ટોપાઝ’ પરથી
દીક્ષા : ‘ક્રેડલ સોંગ’ પરથી
હિમસાગરનાં બાળ : ‘એસ્કિમો’ પરથી
બદનામ : ‘ડિસઓનર્ડ’ પરથી
જલ્લાદનું હૃદય : ‘હેચેટ મેન’ પરથી
ધરતીનો સાદ : ‘વિવા વિલા’ પરથી

‘ટોપાઝ’માં એક ભોળા માસ્તરની કથા છે : ને એ કથામાં તમે ગમે

[4]