પૃષ્ઠ:Palkara.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીક્ષા
31
 

છે’, એટલે પછી એ સ્ત્રીને એક પછી એક હજારો આંગળીઓ, સોટીઓ, રૂમાલો અને નરી નિરાકાર નિગાહો તાકી તાકીને પૂરેપૂરી ચેરી નાખે છે, ખતમ કરે છે.

એવી એક ચેરાઈ ગયેલ બાળબ્રહ્મચારિણીનો દીક્ષા-મહોત્સવ ચાલતો હતો. ધર્મનો ઉદ્યોત પ્રવર્તતો હતો. તોરણો-પતાકાઓ ને સાથિયા હવામાં લહેરાતાં હતાં. જમણવાર હવાનાં અણુ અણુને સુવાસિત કરતો હતો. મેસૂર અને મોહનથાળનો ઘીમાં શેકાઈ રહેલ લોટ લાલપ પકડી ચૂક્યો હતો. તે વખતે એ ‘ચેરાઈ ગયેલી’ના ઘરમાં એની એક નાનેરી બહેન તેમ જ બે નાના ભાઈઓ મળી ત્રણ ભાંડરડાં પોતાની વિદાય લેતી મોટી બહેનને વળગી પડી ઊભાં હતાં. મોટી બહેન ત્રણેયને સમજાવી રહી હતી : “ત્રણેય જણાં ડાહ્યાં થઈ રહેજો; કજિયા કરશો નહિ, બાપુને સતાવશો નહિ; ને આ તો દીક્ષાનો ઉત્સવ કહેવાય. આ અવસરે રોવાય કે ? ન રોવાય હો, કીકા !”

કીકો એટલે સહુથી નાનો, ચાર વરસનો ભાઈ.કીકાએ પોતાની માનું મોં જોયેલું તે યાદ નહોતું. કીકાને જન્મ આપીને તુરત જ મા મરી ગઈ હશે. એટલે કીકો આ પોતાને ઉછેરનાર મોટી બહેનને જ ‘મા !’ ‘મા !’ કહી બોલાવતો હતો. કીકાને નહોતું સમજાતું કે ‘મા’ની વિદાય એ ઉત્સવ શી રીતે ગણાય ? કીકો કોમળ પ્રકારે રડી જાણતો નહોતો તેથી બરાડા પાડતો હતો. ગાયનું વાછરડું પણ એવી જ કઠોર વાચામાં રડે છે.

બીજાં બેઉ ભાંડરડાંને તો ભાન હતું કે મોટી બહેન મોક્ષને માર્ગે જઈ રહી છે. એ જ્ઞાનને લીધે તેઓએ આંસુ પાડવાનો હક્ક ગુમાવ્યો હતો. એ બેઉનાં મોં પાણી વગરના ખાલી પડેલા ભમ્મરિયો કૂવા જેવાં થઈ ગયાં હતાં.

વખત થઈ ગયો હતો. સ્ત્રીઓનાં વૃંદ ધોળમંગળ ગાતાં ગાતાં ધર્માલય તરફ ચાલ્યાં જતાં હતાં.

મોટીબહેને ત્રણેય ભાંડરડાંને ફરી ફરી ચૂમીઓ ભરી.

બાપ આવીને ઊભો રહ્યો : બોઘા જેવો લાગતો હતો. દુઃખની