પૃષ્ઠ:Palkara.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
પલકારા
 

“દિલ ચોંટ્યું નથી હજુ. બુદ્ધિ બહુ મંદ લાગે છે. ગોખેલા પાઠ યાદ નથી રહેતા. ક્રિયાઓમાં પણ ભૂલો ઉપર ભૂલો કરે છે.”

"મને મળી શકશે ?”

“હા, આવો.”

અંદરના ચોગાનમાં, પછવાડેના ભાગમાં એક ઝાડના થડ ઉપર માથું. ઢાળીને નવી મૈયા ઊભી હતી. પાઠશાળામાં બીજી સાધ્વીઓને કંઠેથી ગુંજારવ કરી રહેલા ધર્મપાઠોની વચ્ચે એને શું સંભળાઈ રહ્યું હતું? – ત્રણ ભાંડરડાંની ધિંગામસ્તી : શેરી જાણે ગાજતી હતી. બીજાં નાનાં નાનાં બટુકડાં પણ જાણે પા પા પગલી કરતાં “મામા” માશી' “મામા” માશી” કહી કહી ત્રણેય ભાંડુની પછવાડે દોડતાં હતાં. વારંવાર ચમકીને નવી મૈયા નજર કરતી હતી. થોડી વાર ધર્મપાઠોના ધ્વનિ સંભળાતા, પણ ફરી પાછા. એને જગતના ભણકાર ઘેરી વળતા હતા. એની આંખો સામે શેરી ઊઘડતી. શેરીના ધૂળમાં લૂગડાંના ગાભાના ગોટા, નાની નાની ગેડીઓ, મલોખાંનાં રમકડાં, અને કીકાને “મામા” “મામા' કરી બોલાવતાં એક-બે ભૂલકાં...

તમ્મર ખાઈને “મોટી બહેન’ ઝાડના થડ સરસી ઢળી પડી.

"મૈયા !” દાક્તરે સાદ દીધો.

એણે ઊંચે જોયું.

“તમારાં સંસારી ભાંડું અને તમારા પિતા ખુશીમાં છે. કંઈ કહેવરાવવું છે?”

“નહિ, નહિ. મારે ને એને શું? એવી સંસારી વાતો કરો નહિ, દાક્તર !”

એમ કહીને એ ચાલી ગઈ. જગતમાં “ચેરાયેલી' ફરતી તે વેળાની રૂપરૂપની પૂતળીને આજે દાક્તરે એ કમ્મર ઢળકતા કાળા ચોટલા વિનાની દેખી, ખાંપણમાં લપેટાયેલું મુડદું સ્મશાનમાંથી ખડું થઈને ચાલ્યું જતું હોય એવો એનો દેખાવ હતો.

-ને બહાર દુકાનો માંડીને બેઠેલું જગત બોલતું હતું કે “ચેતી ગયો જીવડો. પરલોકનું સાધન હાથ કરી લીધું. ધન્ય છે, ભાઈ, એવા ત્યાગને !”