પૃષ્ઠ:Palkara.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
પલકારા
 

સાધ્વી એ ચક્કરને ફેરવતી. ખાનું અંદર આવતું, ઢાંકણ બહાર ચાલ્યું જતું. ધર્માલયને ગર્વ લેવા લાયક એ તરકીબ હતી. દાક્તરી સારવાર સિવાયનો આખો જ વાસના-સંસાર જખ મારતો આ બ્રહ્મચારિણીઓના કિલ્લાની બહાર ખડો હતો! જગતની દૃષ્ટિ પ્રવેશ કરી શકે એવું એક પણ જાળિયું પાડવાની જરૂર નહોતી રહી.

રુદનના સૂર એ ચક્કરમાંથી સંભળાયા.

દરવાન બુઢ્‌ઢી ત્યાં હાજર નહોતી. સાધ્વીઓએ ચક્કર ફેરવ્યું, ખાનું - અંદર આવ્યું. ખાનામાં એક નેતરની ગૂંથેલ ટોપલી પડી હતી, ટોપલી ઉઠાવીને સાધ્વીઓએ ટેબલ પર મૂકી દીધી, અને પાપભીરુ દષ્ટિથી ચારેય બાજુ જોતાં ટોપલી પરનું ઢાંકણ ઉપાડ્યું. ઉઘાડતાં જ સહુના મોંમાંથી ઉદ્‌ગાર નીકળ્યો: “છોકરું?”

“છોકરું કોનું?”

“છોકરું ક્યાંથી ?”

“ઓ મા ! છોકરું”

અંગૂઠો ચૂસતું એક ત્રણ-ચાર વાસાનું (દહાડાનું) બાળ આ ચારેય રૂપાળાં મોઢાં સામે તાકી રહ્યું.

ચારેય સાધ્વીઓ સામસામી જોવા લાગી.

“છોકરું ! કોઈનું છોકરું !” એવા સ્વરો અંદરની પાઠશાળામાં સંભળાયા, બાળકનું રુદન પણ ત્યાં પહોંચ્યું. થોડી વારમાં તો ત્યાં પચાસેય સાધ્વીઓનું ટોળું જમા થઈ ગયું, અને સ્વરો ઊઠયા:

“છોકરું !” - “કોઈનું નવું જ જન્મેલું છોકરું!” “તાજું જણીને મેલેલું. છોકરું !” “પણ અહીં ધર્માલયમાં છોકરું !” “કોઈ ભ્રષ્ટાનું છોકરું !”

એવા ધ્વનિઓની વચ્ચે સહુને થરથરાવતો વડાં ગોરાણીનો ઉચ્ચાર સંભળાયો: “આ તે સંયમ કહેવાય, બાઈઓ? આટલો બધો મોહ લાગી પડયો? ઘોર કર્મ બાંધી રહ્યાં છો; લાજતાં નથી?"

“પણ મૈયા !” બાળકની ટોપલી પર લળી રહેલી ચાર જણીઓમાંથી એક બોલી ઊઠી : “કોઈએ રઝળતું મેલેલ છોકરું છે.”