પૃષ્ઠ:Palkara.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તે પ્રદેશની વસ્તુસ્થિતિનું દર્શન જોશો.

‘ક્રેડલ-સૉંગ’માં સ્પેઇન દેશની ધર્મદીક્ષાનો મેં કરુણ ચિતાર જોયો, ને એ ચિતાર મને સાર્વજનિક જણાયો. સંસારત્યાગની ઠંડી દીવાલોની અને બંધ બારણાંની પાછળ રૂંધાઈ રહેલા હૃદય-ધબકાર કોનાથી અજાણ્યા છે ? આપણે ત્યાં ધાર્મિક અસહિષ્ણુતાએ આવા સાહિત્યને જન્મવા દીધું નથી. ‘ધાર્મિક લાગણી દુભવવા’ની ધાક છૂપી છૂરીઓ લઈને આ દેશમાં ચોકી કરે છે. એટલે આપણું સાહિત્ય માનવોર્મિઓના એક માર્મિક પ્રદેશને સીમાડે પણ ચડી શકતું નથી. પશ્ચિમના કલાસાહિત્યે આ સીમાડાને ભૂંસી નાખ્યા છે.

‘એસ્કિમો’ ઉત્તર અને દક્ષિણ ધ્રુવના હિમપ્રદેશોમાં વસનારાં માનવીઓની એક મહાકાવ્ય-શી કથા છે. નીતિ-અનીતિ અને પાપ-પુણ્યની આપણી ભાવના અનેક સ્વાર્થોની એરણ પર ઘડાયેલી છે. તેનાથી ઊલટું, કૃત્રિમ બંધનોથી મુક્ત અને પ્રકૃતિની ગોદમાં ઊછરતું એક ઉદ્યમી સાહસશૂર ને નીરોગી, પરિણામે દિલેર જનહૃદય આંહીં ‘એસ્કિમો’માં મહેક મહેક થાય છે.

યુરોપી મહાયુદ્ધની અંદર દેશદેશનાં જાસૂસી ખાતાંઓએ ઓરતોનાં સૌંદર્યોને પોતાના દુષ્ટ ઉપયોગમાં રોક્યાં હતાં. ‘માતા હારી’ નામે મશહૂર બનેલ એક જાસૂસ સુંદરીની કથા જાણીતી છે. ‘ડીસઓનર્ડ’ની કૃતિ એવી એવી ઘટનાઓના વાતાવરણમાંથી સરજાઈ છે. દુશ્મનોને પોતાના રૂપના ફાંસલામાં ફસાવવા નિમાયેલી એ બજારુ સ્ત્રીઓને ય ‘પ્યાર’ જેવી એક લાગણી કોઈ કોઈ વાર સ્પર્શી જતી હતી. એ લાગણીની પાસે કીર્તિ, કિનો, દેશધર્મ, ચાતુરી, જીવનના તમામ બીજા મોહ હારી બેઠા હશે.

‘હેચેટમેન’માં અમેરિકાવાસી ચીના લોકોનું ઘાતકી કલહ-જીવન ચાલતું હતું, તેની અંદરથી એક સ્નેહના બલિદાનનો પ્રસંગ ઉઠાવવામાં આવ્યો છે. કર્તવ્યભાવે બહારની સામુદાયિક દુનિયામાં ઘૂમનારો સ્વામી પોતાની પ્રેમભૂખી તરુણ પ્રિયાને પરના સંગમાં પડેલી નિહાળે છે. એક કોલને કારણે પ્રિયાની બેવફાઈ ઉપર દિલાવરી ઢોળે છે. એમ કરીને પોતાની પાયમાલી વહોરે છે. આ વાર્તામાં પણ બહિર્જગતના પાપ-પુણ્યની રૂઢિઓનું વિશુદ્ધ સ્નેહને ખાતર વિસર્જન દેવાનો ભવ્ય આદર્શ બોલે છે.

[5]