પૃષ્ઠ:Palkara.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીક્ષા
43
 

ફૂટી નીકળ્યાં હતાં.

“મને સોંપો ! મને સોંપો !” કહી શોર મચાવનારાં સર્વની આંખો ટોપલી તરફ વળી. નવી મૈયાને બાળકમાં તલ્લીન ઊભેલી દીઠી. પોતાનો હક્ક નોંધાવવાની એને ફુરસદ નહોતી, શુદ્ધિ પણ નહોતી. બાળકનો હોઠ પંપાળતી એ તો રટતી હતી : “નાનાં બાળ ! વા'લાં બાળ ! તમે આવ્યાં ! ક્યાંથી આવ્યાં? કોને માટે આવ્યાં? મારે માટે? મને ઓળખી લીધી? હું ગમું છું? બા જેવી લાગું છું ?”

જવાબમાં બાળક એની આંગળી ઝાલીને પોતાના મોંમાં લેવા લંબાતું હતું

દાક્તરે સૂચક ઇશારત કરી. ‘બાલિકા નવાં મૈયાને જ ભળી ચૂકી. સહુ ત્યાંથી ધીરે પગલે સરકી ગયાં. સંધ્યા-સ્તવનનો સમય થયો હતો.

પાઠશાળામાં દિનભરનાં પાપોની ક્ષમાપનાનાં સ્તોત્રો ગુંજી ઊઠ્યાં. ત્યારે એ ગુંજારવની વચ્ચે સ્વરોની નકશી ભરતો નવાં મૈયાનો અવાજ બાળકની ટોપલી પર 'હાલાં વાલાં' રેલાવતો હતો. એણે એકલીએ જ એ સંધ્યાની ક્ષમાપનામાં કે પ્રાર્થનામાં સાથ દીધો નહિ.

(5)

વાતાવરણ વીફરી ગયું. દરવાજાની બાજુના નાના ચક્કર વાટે સૂવાનું પાણી. એરંડિયાની શીશીઓ, નાનાં ગરમ મોજાં, ઘૂઘરો અને ધાવણી આવતાં થયાં. સાધ્વીઓનાં સીવણમાં બાબીને સારુ જાતજાતનાં ફરાક, ચડીઓ, લાળિયાં ને ત્રાંસિયાં સિવાતાં થયાં. કોનું સીવેલું ફરાક વધુ શોભે છે તેની સરસાઈ ચાલી. ધર્માલયની ફરસબંધી વારંવાર બાબીનાં મળમૂત્રો વડે ગંદી થવા લાગી. બાબીને અક્કેક દાંત ઊગતો દેખાયો, તેનું કુતૂહલ અને વિસ્મય સહુ સાધ્વીઓને ઘેલી ઘેલી કરી નાખવા લાગ્યું. બાબી ભાંગ્યાતૂટ્યા બોલ બબડતી થઈ, એટલે તો આશ્ચર્ય અને હસાહસની અવધિ જ આવી રહી.

આ બાબીને સહેજ શરદી લાગી જતાં તો ગરમ પાણીની કોથળી, અળશીની પોલ્ટીસ, લેપના ડબા વગેરે વસ્તુઓની ધમાલ ચાલી રહેતી.