પૃષ્ઠ:Palkara.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘વિવા વિલા’ના ચિત્રપટને કશા જ ફેરફાર વગર આપણે કોઈ હિન્દી બહારવટિયાની ઘટના સાથે ઘટાવી શકીએ. મેક્સિકો દેશ આજે પણ બહારવટાની લીલાભૂમિ છે. અંગત વેરની તૃપ્તિ, તેમજ પોતાની એકલાની મર્દાનગીનું કીર્તિગાન ગવરાવતું પશુબળ : એ તો ઠેરઠેર પડ્યું છે. પણ એનો ઉચ્છેદ પુકારવામાં માનવશક્તિને ઉપયોગમાં લેવાની અણઆવડત રહેલી છે. ‘વિવા વિલા’ના સર્જકે વ્યક્તિના સામર્થ્યને પ્રજાના મુક્તિરથમાં જોતરી દીધું. ‘સોરઠી બહારવટિયા ભાગ ત્રીજાના પ્રવેશકમાં અંકિત થયેલી મારી ભાવનાનો ‘વિના વિલા’માં જવાબ જડી ગયો છે.

આમ આ છ એ છ ચિત્રપટોમાં મૂળ કથાઓ અલગ અલગ સમુદાયોની હોવા છતાં તેની અંદર સાર્વજનીન જીવન ધ્વનિ (‘યુનિવર્સલ અપીલ’) પડેલો છે. એ જીવન-સૂર મને જેવો સંભળાયો તેવો હું વાચકોને હૈયે ધરું છું.

પાત્રોનાં વિશેષ નામો ફક્ત બે જ ઠેકાણે યોજ્યાં છે : એક માલો ને બીજો પાંચો, કારણ કે એ બેઉનાં મૂળ નામો જ ‘માલા’ અને ‘પાંચા’ છે. આમ અનાયાસે આપણા સ્થાનિક વાતાવરણને સજીવ બનાવનાર આ બેઉ નામોનો મેં લાભ સાધ્યો છે. બાકીનાં પાત્રો પરથી મારે નામો ભૂંસવાં પડેલ છે. કેમ કે વિદેશી નામો મૂળ વાર્તાના સાર્વજનીન વાતાવરણનો ઘાત કરી નાખે છે. બીજી બાજુ આપણાં દેશી નામો ચોડીને બનાવટી રીતે આ વિદેશી વસ્તુને આપણી બનાવી લેવાનું મને મુનાસબ નથી લાગ્યું. વાર્તાઓના સૂરો જો સાચેસાચ વિશ્વસૂરો હશે તો આપોઆપ એ આપણાં હૈયામાં જગ્યા મેળવશે.

મૂળ ચિત્રપટોને હું શબ્દશઃ વફાદાર રહ્યો નથી. ચિત્રપટને એનું પોતાનું નિરાળું કલાવિધાન છે. શબ્દની વાણીની એને ઝાઝી ખેવના નથી. કેમકે એની કને ચિત્રની જોરાવર વાણી છે. ચિત્રની વાણી એના વસ્તુવેગને ધોધમાર ધપાવે છે. એટલે કે ચિત્રો એને આલેખતાં નથી, પણ બનતા બનાવો તરીકે રજૂ કરે છે.

બનતા બનાવોને ભાષામાં મૂકવાનો આ પ્રયત્ન પણ પોતાની શબ્દકલાને માગી લે છે. ઉપરાંત શ્રેષ્ઠ બોલપટોની ખૂબી પણ એની ભાષાની, એના સવાલો-જવાબોની, એના ખુદ બોલની જ અલ્પતામાં રહેલી છે. એ થોડાઘણા બોલોને

[6]