પૃષ્ઠ:Palkara.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિમસાગરના બાળ


“ડાઉ...ઉ ! ડા...ઉ..ઉ !” એવા લાંબા લાંબા અવાજે કુત્તાઓ ભસવા લાગ્યા, અને બેસતા શિયાળાના પવન-સુસવાટામાં આઘે આઘેથી કોઈક પરગામવાસી કૂતરાઓના વિનવણી-સ્વરો આવતા સંભળાયા. દરિયામાંથી ઊઠતા હૂ.... હૂ નાદ એ સ્વરોમાં કોઈ ન સમજાય તેવા વિલાપની મેળવણી કરતા હતાં.

દરેક કૂબામાંથી લોકો બહાર નીકળ્યાં. અને મરદો, ઓરતો તેમ જ ચીબલાં ધિંગાં બાળકોનું જૂથ એકીનજરે નિહાળી રહ્યું.

ઢગેઢગ બરફમાં રસ્તો કરતી એક પૈડા વગરની ગાડીને ખેંચતા સાતેક જોરાવર કૂતરાં ‘ડાઉ..ડાઉ' ભસતાં દોડયા આવે છે. ગાડીને સમતોલ રાખીને પછવાડેથી પકડતો, ને સરખી સપાટીવાળી જમીનમાં થોડી વાર ગાડી પર ચડી બેસતો, એક મરદ છે; ગાડીમાં બેઠેલી બે ઓરતો એની સાથણો છે.

ગામડાના પાદરમાં આવીને ગાડી ઊભી રહી. કૂતરાં લાંબી જીભો કાઢીને હાંફતાં હતાં. દરિયો શાંત સ્વરે તાલબદ્ધ છોળો ગજાવતો હતો. ત્રણેય વટેમાર્ગુઓ ગામવાસીઓના આવકારની વાટ જોતાં ઊભાં થઈ રહ્યાં.

“માલા ! એઈ માલા !” ગામલોકોએ એક કુબા ભણી સાદ દીધો : "કોક પરોણો છે.”

“પરોણો છે તો એમાં પૂછવાનું શું ?" ઊંડા કૂબામાંથી ભાંખોડિયાંભર બહાર નીકળેલા એક લઠ, તેજસ્વી, હસમુખા જુવાને જવાબ દીધો : “લઈ આવો, ગામમાં લઈ આવો.”

એટલું કહીને એ માલા નામનો જુવાન મહેમાનોની સામે ચાલ્યો.

51