પૃષ્ઠ:Palkara.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિમસાગરનાં બાળ
53
 

“માનવીને આંહીં રેવું ગમશે?"

“માનવી રિયે તો રાજીખુશીથી : પણ માનવીને ભારે તો નહિ પડે ના ?

“ના રે ના, વા'લાં માનવી તરીકે ભારે નહિ પડે. આંહીં તો એકસંપીલાં લોક વસે છે. સામટા જણ શિકારે નીકળીએ છૈએ. દરિયો થીજે તે પે'લાં તો પૂરેપૂરો સંઘરો કરી લઈએ છૈએ, સારાં માણસું ભળે તો વધુ સારું. રતનાગર ક્યાં ખૂટી પડ્યો છે !”

મહેમાનની નાનેરી ઓરત આવા આદરભર્યા બોલ સાંભળીને માલા સામી અહેસાનભરી આંખો નોંધ્યા જ કરે છે. માલાને પાયે જાણે એ બે આંખો લાગણીભર્યા થાળ ધરે છે.

ઓતરાદી દુનિયાનો એ હિમાળો સાગરતીર હતો. સો-સો ગાઉના સીમાડામાં ઝાડનું તરણુંય ઊગતું નહોતું. આઠ મહિનાની લાંબી શિશિર દરિયાના પાણીને થિજાવી નાખી બસો-ચારસો ગાઉના વિસ્તારમાં પથ્થર જેવી ફરસબંધી કરી દેતી. કલેજાં ચીરી નાખનારા હિમાળા વાયરાઓ બરફના મોટા ડુંગરાઓને ઉપાડી, ફરી ફરી પછાડી દિવસ-રાત દટ્ટણની લીલા ખેલતા.

આવી કરાળ ધરતીમાં પણ માનવી જન્મતાં, ઝૂઝતાં, જીવતાં ને મરતાં, બરફમાં ઊંડી બખોલો ખોદીને એને પોતાનું ઘર કહેતાં. બખોલો ઉપર માળેલાં બરફનાં બેલાંને એ મુલ્કની બેપાર થંડક અણઓગળ્યાં અને અનામત રહેવા દેતી. ધાન્યના એક કોળિયાથી કે કણથી પણ વંચિત એ હિમવાસીને જીવનાધાર ત્રણ વાનાં હતાં : દરિયાની નાનીમોટી માછલીઓ, સાબરનાં હૃષ્ટપુષ્ટ ટોળાં અને આકાશનાં રંગબેરંગી પક્ષીઓ, જીવસટોસટનો જંગ ખેલીને માનવી ત્યાં પોતાનું જઠર ભરતો. જિંદગીના એક છાબડામાં પોતાનો જાન મૂકીને સામા છાબડામાંથી એ ખોરાકનો કોળિયો ઉઠાવતો. બરફનાં ખૂનખાર ધોળાં રીંછડાં, દીપડાં જેવડા નાર-વરૂઓ અને હાથી જેવડાં દરિયાઈ જળચરો એનાં વૈરીઓ હતાં. એવાં વૈરીઓથી વીંટળાયેલા એ એકલા-અટૂલા માનવજીવનમાં મૂંગી ઠંડી અનંત તાકાત સળગતી; અને પ્રમાણિક તાકાત હંમેશાં જે શુદ્ધ મીઠું સૌંદર્ય જન્માવે છે, તે આ સાગર