પૃષ્ઠ:Palkara.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
પલકારા
 

ગાંડું નૃત્ય કરે છે. છોકરાં પણ કૂદે છે અને દરિયેથી ચાલ્યા આવતા જુવાનો પણ એ કિનારા પરના નાચ-ગીતના સ્વરો સાંભળી, અધીર બની, જળમાં ને જળમાં પોતાની બલામડીઓને (નાનાં હોડકાંને) ગુલાટો ખવરાવતા, નાચતા આવે છે. દરેક જણ પોતાની છરી કાઢીને શેકેલા માંસમાંથી અક્કેક ટુકડો કાપતું કાપતું આખી પંગતમાં બેસીને ખાય છે. આ સમૃદ્ધિનો દાતાર માલો પણ ગરવે મોઢે સહુની વચ્ચે બેસી શાંત ગુલતાન કરે છે. માલાની બુઢ્‌ઢી મા પણ દીકરાની દિલાવરી તેમ જ બહાદુરી દેખી સંતોષભરી આંખો મીંચતી હતી.

ઊજવણું પૂરું કરીને સહુ વીખરાયાં ત્યારે પાછાં કૂતરાં ભસ્યાં, અને પરગામની કોઈ કુત્તાગાડી આવી હોય તેવો બોલાસ થયો.

“માલા !” લોકોએ ખબર દીધા : “...ભાઈ તો ગોરાને વા'ણે જઈને આવ્યો.”

બીજાએ કહ્યું : “અને ભારી ભારી જુગતીદાર ચીજો લઈ આવ્યો.”

ત્રીજે ખબર દીધા : “ગામ બધાને બતાવી રિયો છે.”

“જલમ ધરીને કેદીયે દીઠી નથી એવી એવી ચીજું.”

માલો અધીર બન્યા વિના પોતાની બખોલમાં બેઠો હતો. એક જુવાન ભાઈ, બે નાના છોકરા, અને મર્માળી ઓરત આબા, એમ આખું કુટુંબ રાતની ગોદમાં બેઠું બેઠું સૂઈ જવા પહેલાં પ્રભાતની શિકાર-સહેલગાહનો સરંજામ તૈયાર કરતું હતું. આબા માલાનાં બરફ ખૂંદી ખૂંદી ઊતરડાઈ ગયેલાં પગરખાંની વાધરીઓ તાણી દુરસ્ત કરતી હતી.

ત્યાં તો ગોરાને વહાણેથી પાછો આવેલ ભાઈબંધ પોતાની ઓરતને લઈ અંદર આવ્યો; ને કૂબામાં નવીનતા વ્યાપી ગઈ.

“માનવી ક્યાં જઈ આવ્યા?” માલાએ પૂછવા માંડયું.

“ગોરા માણસુંના દરિયાઈ ઘરમાં.”

“શું શું દીઠું?

“ઓહોહો ! ઝગઝગાટ બતીયું : ભાતભાતનાં ખાવાપીવાનાં; કાંઈ મોજ ! કાંઈ મોજ ! શું કહું, માલા! આ જો – આ દીઠી?” એમ કહી એણે