પૃષ્ઠ:Palkara.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હીમસાગરના બાળ
57
 

એક સુંદર જડિત હાથાનું ધારદાર ચકચકિત ચપ્પુ કાઢ્યું.

“આ...હા...હા !” માલાએ હર્ષોદ્દગાર કાઢ્યો : “આવું સરસ ! આહા ! કેવી ધાર ! આબા ! જોઉં તારું નાક કાપે છે કે નહિ? - હા....હા...હા..હા !”

ભાઈબંધે રાઇફલ કાઢી : “જો, આ શિકાર કરવાનું.”

“એહ ! એહ ! કેવી સરસ !” કહેતાં માલાએ ઘોડો ચાંપ્યો. રાઇફલ ફૂટી. જીવનમાં પહેલી જ વાર આ ભડાકો સાંભળીને માલાનું છોકરું ભેંકડો પાડી ઊઠયું.

“અને ગોરાએ મને આ શિકાર કરવાનું આપ્યું. તેના બદલામાં મેં તો ફક્ત આટલાં જ –“એમ કહી એણે બંદૂકની ટોચ સુધી ખડકી આપેલ ચામડાંનું માપ બતાવ્યું.

દરમિયાન ગોરાને વહાણે જઈ આવેલી ઓરત આબાને ચકિત કરી રહી હતી : ફાટી ગયેલ કપડાં સાંધવાની સોય, મોં જોવાનું આભલું, માથું ઓળવાનો કાંસકો, મોં ધોવાના સુગંધી સાબુ, અને એવી તો કૈંક કૈક ચીજો : એક પછી એક ચીજ જોતી ગઈ, ને આબાની અધીરાઈ કલ્પના પ્રદેશમાં દોટ કાઢતી જાણે કે ગોરાને વહાણે ચડી બેઠી.

“અને, બહેન !” પાડોશણે કહ્યું, “આપણને તો આ બધું સાવ મફત આપે છે ગોરા. મને તો વા'ણનો ખાનસામો જ મળ્યો'તો; પણ જો વા'ણનો માલેક ભેટી જાય ને, તો તો..”

પુરુષે માલાને પાનો ચડાવ્યો : “માલો તો સહુથી વડો શિકારી કે'વાય. માલાને ચામડાંની ને રૂંછાંની ક્યાં ખોટ છે? ગોરાને જઈને આપીશ તો આવી બંદૂક ને આવા કારતૂસો મળશે. એથી આજ કરછ તે કરતાં કેટલા બધા વધુ શિકાર કરી શકાશે ! અરધા ગાઉ માથેથી પણ સાબરડાં ડૂ...ફ કરતાં ઊડી પડે.”

માલાની ડોશીએ કહ્યું : “માણસ જેવું માણસ શા સાટુ ગોરાને વા'ણે ન જાય? સૌ જાય છે ને આવો જણ ઘેર પડયો રહેશે ?”

“ક્યાં નાંગરેલ છે ગોરાનું વા'ણ ? માલાનું મન પીગળ્યું.