પૃષ્ઠ:Palkara.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હીમસાગરના બાળ
59
 

"કમ ઈન ! કમ ઇન ! સિટ ડાઉન ! સિટ ડાઉન !" (આવો ! આવો ! બેસો ! બેસો !) એવાં મીઠા સ્વાગત-વચનો કહીને, સૌદાગરે માલાને, આબાને અને નાના બચ્ચાને પોતાના ખાણાના મેજ પર બેસાડયાં; અને થીજી ગયેલ સ્વેત સાગ૨-સપાટી પ૨, પ્રભાતની ગુલાબી, ઝાંય પડે તેવી સોહામણી, મુખમુદ્રાવાળી, આબાને જ્યારે સોદાગરે નિહાળીને દીઠી, ત્યારે તો ‘લવલી ગર્લ, લવલી ગર્લ !' (કેવી ખૂબસૂરત છોકરી !) એવા ઉદ્‌ગાર સાથે એણે મેજ પ૨ની ૨કાબીઓ, મિષ્ટ વાનીઓથી છલોછલ ભરી દીધી.

માલાએ અવતાર ધરીને આજ પહેલી જ વાર વનસ્પતિનાં પકવાનો. ચાખ્યાં : લીલા વટાણા, માખણ, સપાટી ઉપર લીપેંલો સફરજનનો મુરબ્બો, બટેટાની, કાચરી, અને અહોહોહો – ગુલાબે તેમ જ કેવડે મહેકતો આઇસ્ક્રીમ ! જીભ ઉપર જાણે કરવત ચાલી રહ્યું એવી શંકા કરાવતી એની ઠંડકની પછવાડે જે પાછું ધીરે ધીરે મોંમાં, અમીઝરણાં વહાવતું દૂધલ માધુર્ય ! – ખાતાં ખાતાં માલો જાણે કે કોઈ ભુલભુલામણીમાં ભ્રમણ કરતો હતો, ને કાણિયો દેશભાઈ માલાની આ મીઠી મૂંઝવણ દેખી ખૂબ ખૂબ હસતો હતો.

પછી, માલાનો માલ તપાસવામાં આવ્યો. હિમપ્રદેશના સાબરોની રેશમ-શી સુંવાળી, ટીબકી, લેરિયાં, મગીઆ, પાંદડી વગેરે કંઈક કંઈક ભાત્યોથી શોભતી એકસો જેટલી ચામડીઓનો ખડકલો થયો ત્યારે માંડમાંડ રાઈફલનું ભરતર પૂરું થયું. કારતૂસોની પેટી આપીને ગોરા સોદાગરે માલાની કનેથી એક કોથળો ભરી સફેદ રૂંછાં પણ સેરવી લીધાં. બંદૂક અને કારતૂસોનો માલિક બનેલો માલો પ્રસન્ન મર્દાનગીનો અપરૂપ અવતા૨ દેખાયો. એની ભુજાઓનાં પેશીદાર લોહીમાંસ કોઈ અપૂર્વ વીરરસભર્યા છેદની છોળો મારવા લાગ્યાં. કંગાલ, જંગલી હિમપ્રદેશનાં જળચરોનાં ગંધાતાં ચામડાંઓની આટલી કીમત અંકાય છે તેની જાણ એને આજ પહેલી જ વાર પડી. વિદેશીઓનાં દિલભરી મહોબ્બતનો એ ગુલામ બની ગયો. દૂર પડેલી સભ્ય દુનિયાનાં નવાં નવાં રાચરચીલાં મેળવવા માટે માલો પાગલની પેઠે શિકારે ચડયો. ત્યાં જ એણે બખોલ બાંધી.

*