પૃષ્ઠ:Palkara.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
પલકારા
 

“મા-આ – લા ! મા – આ – આ – હા - લા ! મા – લા !" એવા વિચિત્ર સૂરો બોલતી, અને જીવનમાં કદી ન હસેલી એવું અજબ હાસ્ય કરતી આબા એક દિવસ જરા મોડી રાતે બખોલમાં દાખલ થઈ.

માલો વિસ્મય પામીને જોઈ રહ્યો : આબાને આ શું ચેન ઊપડયું છે? આબાની આંખો ઘનઘેરી, ચહેરો લાલચોળ, શરીર રગદોળાયેલ, ને આવા ખિલખિલાટ : આવા વિચિત્ર અવાજ: આવી નવીન ચેષ્ટાઓ : આ શું?

આબા ઢળી પડી. જાણે કોઈ સુખભરી મૂર્છામાં પડી.

માલાએ આબાને ઢંઢોળી : “આબા ! આબા ! ઘેલી આબા !”

આબા નથી જાગતી.

માલાએ આબાના માથાની એક લટ ખેંચી કાઢી. બીજી લટ ખેંચી ત્યારે માંડ આબા જાગી.

“હી – હી - હી – હી – મા – આ – લા! આમ તો જો, મા – લા !”

એવાં ગાંડાં કાઢતી આબાએ પોતાનાં કપડાંમાંથી એક ચીનાઈ પ્યાલો કાઢ્યો : જો, મા-લા ! કેવું મળ્યું ! કેવું સરસ ! કોણે દીધું, કહું ? નહિ કહું, નહિ કહું! આ-હા-હા-હા !

આબા હજી જાણે કોઈક માદક માનવસ્પર્શની કેફી લાગણી અનુભવતી હતી.

“ને જો, માલા ! મા...આ...આ...લા ! જો. છે તારે આવું? ...હી...હી..હી....હી!”

માલાએ નજર કરી : આબાના હાથમાં એક ચામડાનું પાકીટ હતું.

“કોણે દીધું? નહિ કહું ! નહિ કહું !”

ઓરતનું આવું બેભાન સ્વરૂપ માલાએ પહેલી જ વાર દીઠું. આબાના મોંમાંથી નીકળતી કોઈક ઘાટી દુર્ગધ બખોલને બહેકાવી રહી હતી.

માલાને કશી જ ગમ પડી નહિ કે આ શું થયું છે ! ફક્ત એટલું જ, કે આબાના આજ રાતના હવાલ એને ગમ્યા નહિ. આબા કોઈ ભૂતપલીતના ઓછાયામાં તો નહિ આવી ગઈ હોય? એથી અધિક કલ્પના એની