પૃષ્ઠ:Palkara.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
62
પલકારા
 

બરાબર તે જ વખતે પચીસ કોસ ઉપરના ઊંડા દરિયામાં જળચરોની મહારાણી વહેલ માછલીનું પુચ્છ વજ્રની માફક પાણી પર વીંઝાતું હતું. બે મછવાની સાંપટમાં એ દરિયાઈ હડમ્બાને ભીડતો ભીડતો માલો નજીક ને નજીક વધતો હતો. વહેલના પછડાટા પાણીમાં મોભારા મોભારા સુધીની ઊંચી દેગ ચડાવતા હતા. બેઉ મછવા એ જળ-ડુંગરા ઉપર ચડતા, ને પાછા નીચે સરતા પેંતરા ભરતા હતા.

આખરે નજીક જઈ પહોંચી માલાએ જળ-રાક્ષસીને એક જ ભાલે પરોવી દીધી. એના મરણ-પછાડા શમી જતાં બપોર ચડયા. એને કિનારે લઈ જઈ કુહાડાથી કાપતાં દિન નમતો થયો. બેઉ મછવામાં માછલીના કલેવરના ભારા લાદી સાંજે જ્યારે માલો પાછો ગામડે પહોંચ્યો, ત્યારે એણે દેશભાઈઓને આજના મોટા વિજયની વધામણી પોકારી.

પરંતુ ગામલોકોએ આજે એના પ્રતિઘોષ પુકાર્યા નહિ. મરદો, સ્ત્રીઓ ને બાળકો, તમામ પીઠ ફેરવી ગયાં.

માલાએ ગામમાં મસાણની નીરવતા દીઠી. નક્કી કંઈક બન્યું છે : કોઈક નીંદર ગળી ગયું લાગે છે.

ઊપડતે પગલે એ પોતાની બખોલમાં ઊતર્યો. દીકરા ગમગીન ચુપકીદીમાં બેઠા હતા. ચોગમ ફરી વળ્યો. આજનું પરાક્રમ જેને સંભળાવવું હતું તે ક્યાં ગઈ ?

“ક્યાં ગયાં માનવી ? કોઈકનાં માનવી કેમ કળાતાં નથી !” માલાએ બહાર નીકળીને આ અબોલ ટોળાને પૂછ્યું.

ધીરેથી એક જણે જવાબ દીધો : “માલાનાં માનવી નીંદરમાં પડયા.”

માલો પાછો વળ્યો. બખોલમાં ઊતર્યો. બચ્ચાંની પાસે બેઠો. નીચે ઢળેલ નાના બાળકને તેડી લીધું. ગોદસરસું ચાંપ્યું. કોઈએ એકબીજાને કશું કહ્યું નહિ.

કૂબામાં ઊભો રહીને માલો પુકારી ઊઠ્યો : “આ…બા !”

કૂબાએ એનાં ચાંદુડિયાં પાડ્યાં. ફરીને એ બહાર નીકળ્યો. પૂછપરછ કરી :