પૃષ્ઠ:Palkara.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિમસાગરના બાળ
65
 

એ ઊભો રહ્યો.

“અરે, પણ ગાડીમાં માનવી કેમ ન મળે ?” લોકોએ ગાડીમાં એકલાં બાળકોને દેખીને પૂછ્યું.

“માનવીએ નીંદર પીધી.” માલો હજુ ઊભો હતો.

લોકોનાં મોં નીચે નમ્યાં.

“પણ – પણ – માનવીની બુઢ્‌ઢી મા કાં નથી આવી બેટાને સામે લેવાને ?” માલાએ પૂછ્યું.

“બુઢ્‌ઢીને તો બરફમાં સુવાડ્યાં આજ પંદર દી થઈ ગયા, માલા !”

લોકોએ પીઠ ફેરવી મૂંગો શોક દર્શાવ્યો.

*

બચ્ચાં, સૂતાં છે, બરફ ખૂંદી ખૂંદીને ઊતરડી નાખેલ જોડાને સાંધવા માલો માથાકૂટ કરે છે, પણ જળ-દાનવોને ભાલો મારવા સરજાયેલી આંગળીઓ ઝીણી વાધરીઓને સૂયાના છેદમાં પરોવી શકતી નથી. જોડા સાંધનારી સાંભરે છે. જીવ જંપતો નથી.

સામે બેઠેલી એની કૂતરી કુરકુરિયાંને ધવરાવી રહી છે. અસહાય. ને અટૂલા માલિક પ્રત્યે મૂંગી કરુણતાની નજરે કુત્તી તાકી રહી છે.

“અરેરે, કુત્તીબાઈ ! પગરખાંને સાંધી ન શકે એવી ઓરત શા ખપની ?”

એટલું બોલીને ઊંડો નિઃશ્વાસ નાખતો માલો ઊઠ્યો. પાડોશીના કૂબાના દ્વાર કને જઈ એણે બહારથી સાદ પાડ્યો : “બાઈ ! માનવીને કોઈ પગરખાં સાંધી આપશો ?”

“માલા !” બહાર ઊભેલા પાડોશીએ ઉત્તર વાળ્યો : “માનવીને મરવાનુંય વેળુ ક્યાં રિયું છે ? આમ જો તો ખરો, ભાઈ !” એટલું કહીને કૂબાનો પડદો એણે ઊંચો કર્યો : અંદર તાજી સુવાવડ આવી હતી એની સાક્ષી પૂરતું બચ્ચું ‘ઉં-વાં ! ઉં-વાં’ કરતું હતું. ઓરત ઘાંઘી થઈને બેઠી હતી.

પગરખાં હાથમાં લઈને માલો ગૂમશાન જેવો પોતાના કૂબાની બહાર