પૃષ્ઠ:Palkara.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિમસાગરના બાળ
67
 

મનોભાવ તપાસ્યા જ કરતી હતી. પણ શિકારીના મોં પર ગંભીર શાંતિ પથરાયેલી હતી.

પગરખાં સાંધીને ઈવાએ માલાના પગ પાસે ધરી દીધાં - ભક્ત દેવતાને ચરણે પુષ્પો ધરે એવી અદાથી.

માલાએ પગરખાંની એ સુંદર સિલાઈ નિહાળી ફક્ત આટલું જ કહ્યું : “માવિહોણાં બચ્ચાંનો બાપ આ ગુણ કેમ ભૂલશે ?”

જવાબમાં ઇવા નીચું જોઈને બોલી : “બાળવિહોણી ઓરતનું અંતર ઠરીને કેવું હિમ થયું !”

છતાં હજુ માલો સળવળતો નથી.

ઇવા ઊઠીને માલાના કૂબામાં ઊતરી ગઈ. થોડી વાર વાટ જોતી બેઠી, છતાં માલો આવ્યો નથી.

એણે સાદ દીધો: “માલા !”

“ઇવા! બહાર આવ.” માલાએ હાક મારી.

બહાર આવીને ઈવાએ માલાના ઠંડાગાર મનોભાવ જોયા, પૂછ્યું : “માનવીને કો’ક માનવીની જોડે સૂવું બેસવું નથી ગમતું શું ?"

ગળામાં મૃત પત્ની આબાનું શંખલાંનું આભરણ પહેર્યું હતું, તેને પહેરણની નીચેથી બહાર ખેંચીને માલો પંપાળતો હતો. એણે દર્દભર્યો ઉતર વાળ્યો : “માનવીને સૂતેલાં માનવી સાંભરે છે.”

ભારે હૈયે ઇવાએ ત્યાંથી કદમો ભર્યા, પાછી ધણીને કૂબે ગઈ.

“કાં ? ખી-ખી-ખી-ખી !” જૂની હસતી જ હતી.

“કેમ પાછી આવી, ઇવા ?” ધણીએ તાજુબ બની પૂછ્યું.

“માનવીને માનવી નથી ગમતાં.” ઇવાએ ઉત્તર દીધો.

ધણી માલાની પાસે આવ્યો. દુભાયેલા સૂરે કહ્યું : “માલાએ અમારા શા અપરાધે અમારું અપમાન કર્યું ?”

શંખલાંની માળાને પંપાળતો બેઠેલ માલો કશો ઉત્તર આપી શક્યો નહિ. કોઈ અપરાધીના, કોઈ નગુણા મનુષ્યના દીદાર એના મોં પર તરવરતા હતો. એના હૃદયમાં જૂના પ્યારનાં સંભારણાં તથા નવા પ્યારના સમર્પણની