પૃષ્ઠ:Palkara.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવી ભાવિક દૃષ્ટિએ દોરલી આ કથાઓ કેવળ કથાસાહિત્યનું નિર્જીવ થોથું બની અભરાઈ પર ચડે એટલો જ માત્ર હેતુ નહોતો.

પરંતુ –

સારાંમાઠાં સેંકડો ચિત્રપટોની અગમ અટવીમાં, ‘કંઈ સમજાયું નહિ’ની ફરિયાદ કરતાં પ્રેક્ષકોનું સારાં ચિત્રો તરફ માર્ગદર્શન કરાવવાનો પણ એક મનોરથ હતો.

મુંબઈ : 10-1-1935
ઝવેરચંદ મેઘાણી
 

[બીજી આવૃત્તિ]

પ્રૂફ તો નથી વાંચવા પામ્યો (અને તેથી સંખ્યાબંધ દોષો રહી ગયા છે), પણ નવ વર્ષો પર કરેલો આ કસબ અત્યારે કેવોક લાગે છે તે જાણવા માટે છપાયેલી વાર્તાઓ વાંચી ગયો છું.

નવ વર્ષો પૂર્વેની નવીનતાનો મુગ્ધભાવ બાદ દેવાઈ ગયા પછી પણ આજે આ કૃતિઓએ મારા ચિત્તને એક વાચકના ચિત્ત તરીકે કૈક સંવેદનોથી રસી આપ્યું છે. અન્ય વાચકોને પણ આ રચનાઓ નિરાશ નહિ કરે એવી ખાતરી થઈ છે.

કાળનદ અત્યારે બે કાંઠે છલોછલ વહી રહ્યો છે. કેટલીય નરસી તેમજ સારી વસ્તુઓને સમયનાં પૂર ઓવાળરૂપે કાંઠે કાઢી નાખે છે. આ પુસ્તકનું પણ, એ સારું હોવા છતાં, એમ થયું છે. ફરી એકવાર એ એ પ્રવાહમાં મુકાય છે અને મને આશા છે કે મારી નવલિકાઓના સંગ્રહોમાં એનું સાતત્યવંતું સ્થાન રહેશે.

પ્રૂફ વાંચનની ભૂલો તો એટલી બધી રહી છે, કે એનું ચાર પાનાં ભરીને શુદ્ધિપત્રક મૂકવું એ તો પુસ્તકની અશોભામાં વધુ ઉમેરો કરવા જેવું લાગ્યું. આજનાં સરકારી નિયંત્રણો અને છાપાખાનાંની સંકડામણો વચ્ચે લેખકો-પ્રકાશકોને કાલ વળી કોણ જાણે કઈ તલવાર ગરદન પર ત્રાટકશે એવા ફફડાટો સાથે ઉતાવળે કામ લેવું પડે છે. મુદ્રણદોષોને નભાવી લેવા પૂરતી વહાલાં વાચકોની સહાનુભૂતિ યાચવાનો હક્ક આવા સંજોગોમાં આ લેખક પણ, પોતાની હમેશની માન્યતાથી જુદો પડીને, જરીવાર આગળ કરે છે.

‘સુશીલ’, કૃષ્ણનગર, ભાવનગર : [1944]
ઝવેરચંદ મેઘાણી
 
[9]