પૃષ્ઠ:Palkara.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
82
પલકારા
 

એની ભયાનકતા વર્ણવી નથી શકાતી : દિલની અંદર અનુભવવાની જ એ વાત છે.

માલાની તૂટું તૂટું થઈ રહેલી નસોએ રાતભર બરફના ડુંગરા ખૂંદ્યા. પલવાર પણ અટકવાનું નહોતું. મૃત્યુ એનું પગેરું લઈને પાછળ પાછળ ચાલ્યું આવતું હતું.

પ્રભાત પડ્યું : બપોર થયા, ભૂખે તમ્મર આવતાં હતાં. સાથે ખાવાનું નહોતું, કુત્તા પણ ભૂખ્યા ભૂખ્યા જ દોડતા હતા. એટલામાં માલાએ દૂર એક સાબરનું ધણ ચાલ્યું જતું જોયું. જોતાં જ હર્ષઘેલો બની ગયો; બંદૂક ઉપાડી.

બંદૂકની ચાંપ ઉપાડી અંદર કારતૂસ ચડાવવા જાય છે. ત્યાં તો એના રામ રમી ગયા : તમામ કારતૂસો બીજી જ બંદૂકના માપના નીકળ્યા.

સાબરનું ધણ દૂર દૂર ચાલ્યું જતું હતું.

બંદૂક અને કારતૂસો ફગાવી દઈને માલો ઊભો થયો; કુત્તા-ગાડી પાસે ગયો. સાતેય કુત્તા ખાવાનું મળવાની રાહ જોતા ગરીબડાં મોં કરી બેઠા હતા.

કમરબંધમાંથી માલાએ છરી ખેંચી. છરી સંતાડી રાખીને એ કુત્તાઓ પાસે ગયો. કુત્તાઓએ માલિકની સામે આશાભરી, આસ્થાભરી આંખો તાકી.

સાત જીવતા જીવનાં જઠર ભરે એવા એક કુત્તાને શોધવાનો હતો. ત્રીજા નંબરના કદાવર કુત્તાને ગળે માલાની છુરી ફરી વળી.

છ કુત્તાઓને એ ગોસનો સારો ભાગ ખવરાવીને માલો પોતે ફક્ત પાતળા પગનાં બટકાં ભરતો બેઠો હતો. જાણે એ પોતાના પેટના બચ્ચાને મારી ખાતો હોય એવી વેદનાભરી એની શકલ હતી.

બીજો દિવસ - અને છમાંથી પાંચ જ કુત્તા રહ્યા. ત્રીજે દિવસે પાંચમાંથી ચાર, ત્રણ, બે – અને આખરે ગાડી વગર એ શિયાળાના કાળબરફના ટેકરા ખૂંદતાં બે જ જીવ ચાલ્યા જાય છે : એક માલો ને એક કુતરો.

પાછળ ને પાછળ, પગલે પગલે, પવનના સુસવાટામાં શત્રુઓના ભણકારા બોલે છે; મૃત્યુના પડછાયા પડે છે.