પૃષ્ઠ:Palkara.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
84
પલકારા
 

બસ !”

નાનાં બચ્ચાં બાપની છાતી પર બેસીને ગેલ કરવા લાગ્યાં.

સંધ્યા નમતી આવે છે, તેમ તેમ વગડાના બરફ ઉપર કુત્તા ગાડીના પછડાટ સંભળાય છે.

આખરે કત્તાઓના ‘ડાઉ, ડાઉ’ – સ્વરો પણ કાને પડ્યા.

“ઇવા ! જૂની !” માલાએ ઝીણી નજરે નિહાળીને જણાવ્યું : “ગોરા ભાઈબંધો પાછા પોગી ગયા.”

“માલાને પાછો લઈ જાવા ?”

“હા, ને નહિ તો બંદૂકે માલાના માથામાં નીંદર ભરી દેવા : આવી પોગ્યા !”

માલો હસ્યો.

“સબૂર, મૈયા !” પોતાના ભાઈને એ ચાલ્યા આવતા બંદૂકદાર શત્રુઓ સામે તીર ચડાવતો રોકીને માલાએ શાંતિથી કહ્યું, “તારા તીરને સાબરના ધણ સારુ સાચવી રાખ, ભાઈ ! ગામલોકોને ભૂખ્યાં સુવાડતો નહિ કદી. માલો તો શિકારીને શોભે તેવા જ મોતની ભેટ કરવા ચાલી નીકળે છે. કેમ કે હું જીવતો રહીશ ત્યાં સુધી ગોરાઓ આપણા આખા ગામનો દાટ વાળી દેશે. એની કને બંદૂકો-કારતૂસોનો પાર નથી.”

એમ કહીને એણે નાનાં બાળને હૈયા પર ઊંચકી લઈ બચીઓ ભરી, દુવા દીધી : “જલદી જુવાન બની જઈ તીર-ભાલાં નાખતાં થઈ જાઓ, મારાં બચ્ચાંઓ !”

પછી એ જૂની તરફ ફર્યો; ચુંબન લીધું : “જૂની ! બાળકોને સાચવીને મોટાં કરજે, હો! તેં ઘણી ચાકરી કરી છે. માનવીની.”

દડ દડ આંસુ ખેરતી જૂની હસી : ખી-ખી-ખી-ખી !

છેલ્લો વારો ઇવાને ભેટવાનો હતો. ઇવાના સુડોળ મુખને હડપચીથી ઊંચી કરી, એની આંખોની ભીનાશમાં માલો પોતાના આત્માને ઝબકોળી રહ્યો. એ આટલું જ બોલ્યો : “માનવી માનવીને વીસરી શકશે નહિ.”

સહુ સૂનસાન ઊભાં થઈ રહ્યાં. ધરતી પર માલાના બૂટ ચમચમતાં