પૃષ્ઠ:Palkara.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિમસાગરનાં બાળ
85
 

ગયાં.

સહુને જાણ હતી કે માલો ક્યાં જતો હતો.

[17]

સામે જ સાગર લાંબી નીંદરમાંથી સળવળતો હતો. એની ફરસબંધી તૂટી રહી હતી. થીજેલાં નીર બંધનમુક્ત બની રહ્યાં હતાં. ન સંભળાય તેવા કોઈ ઘણના ઘાએ ઘાએ બરફના પહાડો ભેદાતા હતા. પાતાળ પોતાનું મોં ફાડી ફાડીને શ્વેત હિમગિરિઓને હોઈયાં કરતું હતું. દરિયાઈ ધરતીકંપ ચાલી રહ્યો હતો. રસાતલ ઉલેચાતું હતું જાણે.

એ કાળ-ઘમસાણની દિશામાં માલાએ પગલાં માંડ્યાં. પાણીના જાગી ઊઠેલ ધોધ એને સાદ પાડતા હતા.

પછવાડે ચીસ પડી : “મા…લા ! મા…લા ! ઘડી વાર ! ઘડી વાર !”

ઇવા દોટ દેતી આવી પહોંચી.

માલો ઊભો રહ્યો : “કેમ ?”

“માલા ! મોટી નીંદરમાંય માનવીનાં કલેવરની સોડ ઇવાને મીઠી લાગશે. ઇવાને એકલી ન મેલીશ.”

“ચાલો ત્યારે, ઇવા !”

બેઉ ચાલ્યાં. દરિયો તૂટે ત્યારે પશુપંખી પણ ભાગે છે. આ બે માનવીઓ એ વિરાટનાં જડબાંમાં હોમાવા સામે હૈયે ચાલ્યાં જાય છે.

ખડકો પછી ખડકો કુદાવતાં જાય છે. થોડાંક ડગલાં – અને દરિયાના ઘમસાણમાં : જ્યાંથી પાછા ફરવાનું રહેશે નહિ.

પછવાડે ફરી વાર કોઈકના હાકલા થયા : “માલા ! ડોન્ટ ગો ! માલા ! સ્ટોપ ! સ્ટોપ !” (માલા ! જાઈશ મા ! માલા ! થોભ ! થોભી જા !)

યુગલ ઊભું રહ્યું : પાછળ દૃષ્ટિ કરી.

બેઉ જૂના ગોરા ભાઈબંધો દોડ્યા આવે છે. હાથમાં બંદૂકો છે. સાદ પાડે છે : “માલા ! પાછો વળ ! પાછો વળ !”

હસીને યુગલ આગળ ચાલે છે. સમુદ્રની શ્વેત ભીષણ આરામગાહ યુગલને સાદ દઈ રહી છે.