પૃષ્ઠ:Palkara.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પલકારા
86
 

તરતી બરફ-શિલાઓ ઉપર પગ દેતાં દેતાં બેઉ આગળ ચાલ્યાં : આગળ ને આગળ. કદમ ઉપાડે છે ત્યાં જ એ પછવાડેનો બરફ ફાટીને પાતાળનાં દ્વાર ઉઘાડે છે : હ…ડુ…ડ…ડુ ! બરફના મોટા પહાડો ગરક થાય છે.

ગોરાઓની બૂમ પડી: “માલા ! ખડો રહે, ખડો રહો, નહિ તો હમણાં ઠાર થયો જાણજે !”

એવા હાકલા સાંભળીને યુગલ ફરી પાછું ઊભું રહે છે : માલો પછવાડે જુવે છે : ગોરા ભાઈબંધની બંદૂક એના ઉપર નિશાન લેતી દેખાય છે.

ઇવાને ખભે હાથ ઠેરવી માલો છાતી ધરી બંદૂકોની તાક સામે ઊભો રહે છે : હસે છે.

ગોરાના હાથમાં બંદૂક થંભી રહી; થોડો ન ચાંપી શકાયો. એણે પોતાના જોડીદારને કહ્યું : “નહિ ફોડી શકાય. મારા હાથ નથી ચાલતા. માલો હસે છે.”

યુગલ ઠેક્યું; પાણીમાં ઘસડાતા જતા એક બરફ-ડુંગર ઉપર ચડી ગયું.

તરતો પહાડ ચાલ્યો જાય છે. થોડે દૂર જ અતલ નીરની ઘૂમરીઓ ફરી રહી છે. હમણાં જ આ તરતો તરતો તણાયે જતો પહાડ ત્યાં પહોંચીને રસાતલમાં સમાઈ જવાનો છે.

“ગુડ બાય ! ગુડ લક, માલા ! (સલામ, માલા !)” કિનારેથી બંદૂકવાળાઓની બૂમ પડી.

કાળના શિખર પરથી માલાએ સામી શાંતિભરી સલામ કરી.

ઇવાનાં નેત્રો માલાના મોં સામે જ સ્થિર થઈ રહ્યાં.

જગતમાં એવું નેત્રનિર્વાણ બીજે ક્યાં હશે ?

બરફનો પહાડ હિમસાગરનાં બે બાળને લઈ એક પ્રચંડ ધોધના વહેણમાં લેવાયો.

થોડીક જ વાર પછી -