પૃષ્ઠ:Palkara.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



બદનામ

રાત પડી ગઈ હતી, વરસાદની ઝડીએ રસ્તા પરના દીવાને ઝાંખા પાડ્યા હતા. માર્ગે પાણી ભરાયો હતો. ભીંજાતી ભીંજાતી એ એકલી ઊભી હતી. ભીંજાતી સી વધારે રૂપાળી લાગે છે, એકલતા અને ગરીબી પણ જ્યારે સુંદરતાનો સંગાથી હોય છે, ત્યારે વળી વૃષ્ટિમાં પલળતું શરીર મેઘધનુષ્ય જેવી શોભા આપે છે.

સૌંદર્ય એકલું ભીંજાતું ઊભું હતું, અને શબોની હારો ને હારો ઝોળીઓમાં પલળતી ચાલી આવતી હતી.

ભીંજાતી ઊભેલી ઓરત જોઈ રહી હતી. પોતાની જન્મભૂમિના જુવાનોનાં એ મુર્દાં હતાં. પોતાના સ્વદેશને સીમાડે એક મહાન કતલ ચાલી રહી હતી. લોકો એને ‘યુદ્ધ’ કહે છે – કોઈક વાર એ સંહારલીલાનો મહિમા વધારવા માટે ‘મહાયુદ્ધ’ પણ કહે છે. ને યુદ્ધ કરનારા પક્ષો હમેશાં અથવા ઘણુંખરું પાડોશીઓ જ હોય છે. સાંકડી શેરીના પાડોશીઓ જેમ ખાટલા મૂકવાની, કે દાળ સૂકવવાની કે ઝાડુ કાઢવાની નાની બાબતોમાં લડી પડે છે, તેમ ડાહ્યા સુજાણ દેશ-દેશો પણ બાયડીશાહી પ્રશ્નો પર તોપગોળાની, તકરાર મચાવે છે.

ભીંજાતી ઓરતને આવી કોઈ વાતોની ગમ નહોતી. પોતાના દેશ તથા પાડોશી દેશ વચ્ચે સળગેલી આ સંહાર-હોળી કેવી રીતે શમે તેના વિચારો પણ પેસી શકે એવું એનું ભેજું નહોતું. એ તો ફક્ત જોઈ રહી હતી કપાઈ-ઘવાઈ ઝોળીએ સૂતા આવતા વતનના જુવાનોને. પોતે પણ જુવાન હતી – જુવાની અંદરથી ઊકળી રહી હતી. દેશી જુવાનોને મારનાર દુશ્મનોનો કિન્નો લેવા દિલ તલપતું હતું.

87