પૃષ્ઠ:Palkara.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
પલકારા
 

લોકોનું ટોળું ટીકી ટીકીને આ જખમી જુવાનોના સરઘસની વાતો કરતું હતું. તેમાં આ એકલવાઈ રઝળુ જણાતી ઓરતે પણ ટાપશી પૂરી કે “એ જ લાગના છે પીટ્યા આ દેશના રાજ કરવાવાળા ! સાચાં કામ કરનારને કામ જ કોણ આપે છે ? છો ને મરતા બધા જ જુવાનિયા !”

“રાંડ ડાકણી છે કે શું ?” કહીને લોકોએ એની સામે આંખો ફાડી. પોલીસે આવીને સહુને વીખરાઈ જવા હુકમ કર્યો.

[2]

રઝળુ ઓરત ભીંજાતી ભીંજાતી એની ગલીમાં ચાલી ગઈ. એના ઘરને બારણે જ્યારે એ પહોંચી ત્યારે મ્યુનિસિપાલિટીના દીવાને અજવાળે કમાડ ઉપર એક કાળો મોટો ઓછાયો પડ્યો.

ઓરતે પછવાડે નજર કરી : એક કદાવર આદમી ત્યાં ઊભો હતો. એના દેહ પર લાંબો ‘વૉટરપ્રૂફ’ (વરસાદનો) ડગલો હતો. હાથમાં છત્રી હતી. મૂછોના મોટા થોભિયા હતા. ‘બુલ-ડૉગ’ (ડાઘિયા કૂતરા) જેવું મોં હતું.

એ આદમીએ જોયું કે અંધારી એકાંતે પણ આ ઓરત એક વિકરાળ પરપુરુષને દેખી જરીકે ગભરાટ નથી બનાવતી.

“થોડી વાર અંદર આવું ?” પુરુષે પ્રશ્ન કર્યો.

“ખુશીથી.”

છત્રી બંધ કરીને આદમી અંદર દાખલ થયો. છતાં ઓરતે કશો ગભરાટ બતાવ્યો નહિ. પુરુષે ઓરડામાં નજર કરી. ગરીબી જ ગરીબી ચારે પાસ આલેખાઈ હતી : વળગણા ઉપર લટકતાં થીગડાં મારેલ કપડાંમાં, તરડાયેલ અરીસામાં, નિસ્તેજ રાચરચીલામાં.

ગરીબ છતાં ઓરત અધમ જીવન ગાળતી ન લાગી. પથારી પર ટાપટીપ નહોતી. આગતાસ્વાગતામાં લટકાં પણ નહોતાં. હલકી જાતનાં લોકો માયલી, એકલી રહેનાર ઓરત આટલી બધી નમણી મુખમુદ્રાને અણસ્પર્શી રાખી રહે એ એક ન મનાય તેવી વાત હતી.

“મારું ગરીબનું ઘર પાવન કર્યું તમે, મહેરબાન ! કાંઈ હુકમ ?”