પૃષ્ઠ:Pankaj.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨ : પંકજ
 

'થાય શું ?' શેરના ભાવ ઊતરી ગયા એટલે થોડી રકમ જોડવી પડી.'

‘પણ મેં તો સાંભળ્યું કે આ બંગલો અને...'

'અરે એ નહિ તો બીજો. મન્મથ બંગલા વગર રહેવાનો છે એમ તું માને છે ?'

મન્મથમાં હજી ઘણી હિંમત હતી, પરંતુ તેને શહેર છોડી બીજે જવું પડ્યું. ત્યાં પણ કાંઈ ભારે વ્યાપારની તજવીજ તેણે કરી હતી. પરંતુ પછી તો પાંચ-છ વર્ષ લગી અમે એકબીજાને મળી શક્યા નહિ. જુદાં જુદાં સ્થળોએ જુદી જુદી વ્યાપારી હિકમત અજમાવનાર એ સાહસિકનું ઠેકાણું બરાબર જડતું નહિ. એકબે વખત તેના નિવાસની ખબર પડતાં મેં તેને હજારની મને અપાવેલી રકમ ટપાલમાં મોકલાવી. તે તત્કાળ પાછી આવી. જવાબમાં તેણે એટલું જ લખ્યું હતું કે પૈસા મન્મથે મને અપાવ્યા એવી મૂર્ખાઈ ભરેલી માન્યતાવાળો હું એકલો જ હતો, તેને પૈસાની જરૂર નહોતી. અને જરૂર પડ્યે તે મારી પાસેથી માગ્યા વગર રહેશે પણ નહિ.

પછી તો તેનું નામનિશાન પણ જણાયું નહિ. કોઈક ઓળખીતાઓ કે સંબંધીઓ તિરસ્કારપૂર્વક તેની નિષ્ફળતા સંબંધી ટીકા કરી, નહિ જેવી ખબર આપતા. તેનાં કે રસનાનાં સગાં પણ તેની હિલચાલથી પૂરા વાકેફ નહોતાં. સહુએ મન્મથની ઉદારતા ઓછે વધતે અંશે અનુભવી હતી. છતાં વ્યાપારની બાજીમાં નિષ્ફળ નિવડેલા યુવકને માટે સહુને ઓછી દરકાર થતી જાય એ સ્વાભાવિક હતું. કોઈ સગાંને તેની ખબર હુ પૂછતો ત્યારે તે જવાબ આપતો :

'એ રખડેલનો પત્તો જ ક્યાં હોય ? મોટી ફાળ ભરે અને નીપજે કશું નહિ ! આપણે તો એની વાત જ કરવી મૂકી દીધી છે!'

તેના કોઈ મિત્રને હું પૂછતો ત્યારે તે પણ આવો જવાબ આપતો:

'જવા દ્યો એનું નામ ! કોણ જાણે ક્યાં યે હશે ! જ્યાં હશે ત્યાં લોકોને ખાડામાં ઉતારતો હશે.'