પૃષ્ઠ:Pankaj.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪ : પંકજ
 

હતો !..કે મન્મથનું ભૂત !

તેનાં ઝમકદાર કપડાં ક્યાં ગયાં ! તેના મુખની ચમક કયાં જતી રહી ? સામાન્ય ટોળામાં આગળ પડી આવે એવો એનો રૂઆબ ક્યાં ગયો ? આંખની ચપળતા ક્યાં ઊડી ગઈ?

તેના બૂટ ઉપર કદી ડાઘ મેં જોયો નહોતો. આજ તેનાં બૂટ થીગડાંવાળાં દેખાયાં.

'તું ક્યાંથી?' તેણે મને પૂછ્યું.

'હું તો અહીનો અહીં જ છું. પણ તું ક્યાંથી તે તો કહે !'

'હું આવી ચડ્યો–કામને અંગે.'

'મારું ઘર તો તેં શાનું જોયું હોય? ક્યાં ઊતર્યો છે?'

'કામને અંગે ગમે ત્યાં ઊતરવું પડે. પણ તને મળ્યા વગર હું કાંઈ પાછો જવાનો હતો? કહે, ભાભી શું કરે છે? તને નોકરીમાં કેટલી બઢતી મળી ?'

'એ બધું ઘેર આવે તો કહું.'

'આવીશ તો ખરો જ, પણ ક્યારે તે કહી શકાય નહિ. મળ્યા વગર જઈશ નહિ.' જરા અટકીને, વિચાર કરીને તેણે કહ્યું. તેના મુખ ઉપર થાકનાં ચિહ્ન મને જણાયાં. તેને આરામની અને શાંતિની જરૂર હોય એમ મને દેખાયું. તે પગે ચાલીને ફરતો હતો, તેનાં કપડાં જૂની સફાઈથી રહિત હતાં, એ ઉપરથી જ તેનો ધંધો કેવો ચાલતો હતો તે વિષે પૂછવાનું મને મન થયું નહિ. મેં પૂછ્યું :

'અત્યારે ફુરસદ છે કે નહિ ?'

તેણે એકાએક હાથ ઊંચકવાનો કરેલો પ્રયત્ન રોકી રાખ્યો. ઘડિયાળ વારંવાર હાથ ઉપર જોવાની ટેવવાળા મન્મથના કાંડા ઉપર આજ ઘડિયાળ પણ નહોતું ! તે બોલ્યો :

'જો, આઠ વાગ્યે મારે એક ગૃહસ્થને મળવાનું છે.'

'હજી કલાકની વાર છે.' મેં કહ્યું, પરંતુ મને પસ્તાવો થયો. શહેરને છેવાડે રહેતા કોઈ ગૃહસ્થને મળવા મન્મથને ચાલીને જવું