પૃષ્ઠ:Pankaj.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધનિક હ્રદય : ૯૭
 


મારા હૃદયે કોણ જાણે કેમ એકાએક દોર્યો, અને હું રેસ્ટોરાંમાં પાછો ગયો. માલિક એકલો જ બેઠો હતો ત્યાં જઈ મેં પૂછ્યું :

'તમને પેલા સાહેબ શું આપી ગયા ?'

માલિક સહજ વિચારમાં પડ્યો, અને સત્ય કહેતાં અચકાયો. મેં તેને ઉત્તેજિત કરવા કહ્યું :

'મને એણે જ મોકલ્યો છે. તમારા પૈસા લઈ લ્યો. કેટલા આપવાના છે?'

'દસ. પણ કોઈને કહેવાની ના કહી છે ને?'

'તે મારે માટે નહિ. લ્યો આ દસની નોટ.'

મેં નોંટ આગળ ધરી એટલે તેણે એક સુંદર હીરાની વીંટી ધીમે રહી મારા હાથમાં મૂકી દીધી. આખા જન્મારામાં મને કદી ન થયેલી નવાઈ ચમક વીંટી જોતાં થઈ. વીંટી લઈ હું તત્કાળ બહાર નીકળ્યો. થોડી જ ક્ષણો થયેલી હોવાથી અને મન્મથ તથા મારી વચ્ચેનો સંબંધ જાણતો હોવાથી વગર શંકાએ માલિકે મને વીંટી પાછી આપી. કદાચ તેનો વિચાર ફરી જાય એ બીકે હું ઝડપથી ચાલી નીકળ્યો.

શું મન્મથ પાસે ચા પીવા-પાવાના પૈસા નહોતા ! માટે જ તે મને દેખીને પેલી ગલી ભણી ચાલ્યો જતો હતો ? મેં શા માટે એને રોક્યો ? મારું આતિથ્ય કરવા ખાતર મન્મથની ઘેલી ઉદારતાએ તેની પ્રિયમાં પ્રિય વીંટી પણ જતી કરવા તેને પ્રેર્યો ? હું એ વીંટીને ઓળખતો હતો. રસના ભાભીએ લગ્નમાં એ વીંટી હસ્તમેળાપ વખતે તેને પહેરાવી દીધી હતી. એ વીંટીને તે આજ મારી મહેમાનગીરી કરવામાં વિદાય આપતો હતો ! મન્મથ ઉડાઉ કે ઉદાર?

શોક, આશ્ચર્ય, માન એવી એવી લાગણીઓથી ઘેરાયેલો હું ઘેર પહોંચ્યો. મારી પત્નીને પણ મારા મુખમાં કાંઈ ગમગીની દેખાઈ. રેસ્ટોરાંમાં સારી રીતે જમ્યો હતો એથી કે પછી મારા મનથી, વ્યગ્રતાને લીધે હું જમ્યો નહિ. મને ઊંધ પણ ન આવી. સાડા દશ થયા અને મારું બારણું કોઈએ ખખડાવ્યું. મારી પત્નીએ પૂછ્યું :