પૃષ્ઠ:Pankaj.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮ : પંકજ
 


'કોણ?'

'એ તો હું મન્મથ. ભાભી, જાગો છો કે ?'

મારી પત્નીએ દોડીને બારણાં ઉઘાડ્યાં. જાણે કાંઈ બન્યું જ ન હોય તેમ હસતો વાતો કરતો મન્મથ ઘરમાં આવી બેઠો.

'કાલ સવારે જવું છે. તને મળવાનું વચન આપ્યું હતું અને બધાને જોવાં હતાં, એટલે મોડી રાત છતાં આવ્યો છું.'

'હજી કાંઈ એવું મોડું થયું નથી.' મારી પત્નીએ કહ્યું. બહુ વરસે પતિના મિત્રને જોતાં પત્ની પણ આનંદ અનુભવતી હતી. બાળકો માટે ફળ તથા રમકડાં લઈ આવેલા મન્મથ માટે મારી પત્ની કૉફી કરી લાવી અને થોડું ખાવાનું પણ અમારી બન્નેની સામે નાનકડા મેજ ઉપર મૂકી દીધું. ના પાડ્યા છતાં મન્મથે કૉફી પીવા માંડી.

એકાએક મારી પત્ની બોલી ઊઠી :

'પેલું શું ચમકે છે મેજને ખૂણા ઉપર ?'

મન્મથની નજર તે તરફ દોડી. તેના હાથમાંનો પ્યાલો હાલી ગયો; એટલો હાલ્યો કે તેમાંથી સહેજ કૉફી નીચે ઢોળાઈ.

'મન્મથને ભાન કયાં છે ? એની વીટી ક્યાં ગબડી જાય છે તેનો યે વિચાર નથી !' મેં હસતે હસતે કહ્યું.

મન્મથનો ચહેરો ગંભીર બની ગયો. તેણે વીંટી ઉપાડી જોઈ, ખાતરી કરી. મારી સામે મારા હૃદયમાં ઊતરી જાય એવી નજર ફેંકી તેણે વગર બોલ્યે વીંટી પહેરી લીધી. કૉફી પી રહી તેણે રજા માગી. હું તેને બારણાં સુધી વળાવવા ગયો. તેણે સહજ ગાંભીર્યથી કહ્યું :

'આટલો બધો વિવેક શા માટે કરે છે?'

' શા માટે ? તારા માટે.'

'પણ કાંઈ કારણ?'

'કારણ એ જ કે જગતમાં ઘણા ઉડાઉ જોયા, પણ તારા સરખું અમીરી ઉડાઉપણું શોધ્યું જડે એમ નથી.'