પૃષ્ઠ:Pankaj.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખરી મા : ૩
 

સમજ પડી નહિ કે આ સ્ત્રી તેને બહુવચનથી શા માટે સંબંધે છે.

તે સ્ત્રીએ કુસુમાયુધને થોડાં રમકડાં આપ્યાં, સારાં કપડાં પહેરાવ્યાં, માથું ઓળી આપ્યું. પિતાની સાથે જમવા બેસાડ્યો. બાળકને બહુ નવાઈ લાગી. આવી સ્ત્રી કોણ હશે? કેમ આવી હશે? કુસુમાયુધ તેની આસપાસ જ ફરવા લાગ્યો.

તેને એમ પણ લાગ્યું હશે કે પોતાની માફક પિતાને પણ આ સ્ત્રી ગમી છે ખરી. પરંતુ પિતાની આગળ તે બહુ ધીમે ધીમે કેમ બોલતી હતી ? આવું કેમ જોયા કરતી હતી ? આછું આછું હસતી કેમ હતી ? આ સ્ત્રી ઘરમાં રહ્યા જ કરે તો કેવું સારું ? મા પણ કેવી ઠરીને ઘરમાં રહેતી હતી ?

કુસુમાયુધથી રહેવાયું નહિ એટલે સૂતાં પહેલાં તેણે પૂછ્યું : 'તમે મારા સગાં થાઓ કે નહિ ?'

'હા.'

'શા સગાં થાઓ ?'

યુવતી સહેજ અટકી. તેની આંખ સ્થિર થઈ. તેને સગપણની સમજ નહિ પડી હેાય કે શું ?તત્કાળ સ્થિર થઈ તેણે જવાબ આપ્યો : 'હું તમારી મા થાઉં.'

'મા?’

કુસુમાયુધના હૃદયમાં અનેક વિચાર આવી ગયા. સગપણ સાંભળતાં બરાબર તેને એક વખત તો એમ જ થયું કે માની કોટે બાઝી પડે. પરંતુ કેણ જાણે કેમ તે એવી ચેષ્ટા કરી શક્યો નહિ. છતાં તેણે તે સ્ત્રીનો હાથ પકડી લીધો અને પોતાના બે હાથ વડે દાબ્યો. મા કહેવરાવવા માગતી સ્ત્રી જરા હસી; પરંતુ એકલું હસવું કાંઈ બસ થાય ? શા માટે તે પોતાને ખોળામાં લઈ વહાલ નથી કરતી? કુસુમાયુધે શંકા પૂછી : 'તમે મારાં ખરાં મા થાઓ ?'

બાળકની બુદ્ધિ મોટાંને તાવે છે. પરણીને આવી તે પહેલે જ દિવસે એક બાળક આ યુવતીની કપરી પરીક્ષા લેતો હતો. તે જાણતી