પૃષ્ઠ:Pankaj.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવતા : ૧૦૩
 

માત્ર એ ટીકા સંબંધી એક જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે: માનવતા વગર મહત્તા ઉત્પન્ન થાય ખરી ?'

આ સૌંદર્ય શોભન વાક્ય અને વિચારથી પત્રકારને પરમ આનંદ થયો. તેણે સનત કુમાર સાથેની પોતાની મુલાકાત જ્વલંત શબ્દચિત્રમાં વર્ણવી; અને ટૂંકી મુલાકાત દરમિયાન કવિની જ નહિ, પરંતુ કવિનાં પત્નીની પણ ઊભરાતી માનવતાનાં તેને થયેલાં દર્શન તેણે શબ્દોમાં આલેખ્યાં.

ખરે, સનતકુમારનાં પત્ની સુહાસિની માનવતાથી ઊભરાતાં હતાં એમાં શક નહિ. કવિઓને નિરંકુશ રહેવાનું વરદાન મળેલું હોય છે. આ નિરંકુશપણું માત્ર કવિતામાં જ સમાઈ રહેતું નથી; તે તો જીવનના પડેપડમાં પ્રવેશ પામે છે. અંકુશ, નિયમ અને નિયંત્રણ કવિજીવનમાં સ્થાન પામે તો તે દિવસથી કવિ કવિ મટી જાય છે.

આનો અર્થ એમ નહિ કે સનત કુમારનું નૈતિક જીવન અન્ય કવિઓ સરખું નિરંકુશ હતું. તેમનું ચારિત્ર્ય સ્ફટિક સરખું શુદ્ધ હતું. કવિપણાના બહાનાં નીચે સ્વેચ્છાચાર કરનાર નામધારી કવિઓ માટે તેમને ભારે તિરસ્કાર હતો. વિશુદ્ધ ચારિત્ર્ય વગર વિશુદ્ધ કાવ્યરચના અશક્ય છે એમ તેમની માન્યતા હતી. અને એ માન્યતા પ્રમાણે જ તેમનું વર્તન ઘડાયું હતું.

તેમની નિરંકુશતા કે અનિયમિતપણું જુદા પ્રકારનાં હતાં. કાવ્યરચનામાં નિમગ્ન રહેતા આ કવિવરને સમયનું ભાન ભાગ્યે જ રહેતું. વખતે તેઓ આખી રાત જાગતા અને કવિતાઓ રચતા. કાવ્યરચના એ સ્ફુરણા ઉપર આધાર રાખતી કલા છે. એ સ્ફુરણોને સ્થળ અને સમયનાં બંધન હોતાં નથી. તેઓ જમતા હોય, અને એકાએક સ્ફૂર્તિ જાગૃત થાય ! જમવાનું બાજુ ઉપર રહી જતું અને સનત કુમાર હૃદયમાં ઊઠતી કોઈ રચનાને નિહાળતા બેસી રહે ! તેઓ