પૃષ્ઠ:Pankaj.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪ : પંકજ
 

વાત કરતા હોય અને હૃદયમાં કોઈ કલ્પના ચમકી આવે. કવિ એ કલ્પનાને ઘાટ આપવા વાત કરતા બંધ પડી જાય અને તેમનાં પત્ની કે મિત્રોને અજાણતાં ચમકાવે ! નદીકિનારે, અવરજવર વગરનો માર્ગ, નિર્જન ખેતરો, અને અપૂજ શિવાલયોનો સહકાર તેમને અનુકૂળ હતો. કાવ્યની પ્રેરણા મેળવવા તેઓ એકલા અગાસીમાં રાત્રે બેસી તારાનાં ઝૂમખાં નિહાળતા, અગર દિવસે કોઈ બગીચાના એકાન્ત ભાગમાં પુષ્પ સામે જોઈ રહેતા. તેમને વગર જરૂરની વાત કરતાં કંટાળો આવતો. તેમને મિત્રો ઓછા હતા; અને જે હતા તે કવિની વિચિત્રતાનો વિચાર કરી તેમને જેમ બને તેમ ઓછું જ મળતા. પરંતુ પત્નીનો સહવાસ તો નિત્યનો હોય જ એમાં નવાઈ શી ?

સનત કુમાર સરખા પ્રતિષ્ઠિત કવિનાં પત્ની હોવાનું માન સુહાસિનીને મળ્યું તેથી તેઓ પોતાના ભાગ્યને વખાણતાં હતાં. સનતકુમારની વિચિત્રતાઓ તેમને ગમતી. સનતકુમારનાં ઢંગ વગરનાં કપડાંને સમારી તેઓ કવિને દેખાવડા બનાવતાં. કવિની અનિયમિતતા વગર બોલ્યે ચલાવી લેતાં. કવિની અવ્યવસ્થાને તનતોડ મહેનત કરી વ્યવસ્થામાં ફેરવી નાખતાં. કવિઓ બજારનું કામ કે ઘરનું કામ કદી કરી શકતા નથી. સનત કુમાર તેમાં અપવાદરૂપ ન હતા. સુહાસિની બજારની ખરીદી અને ઘરની ઝીણી કામગીરી ઉપર જાતે જ દેખરેખ રાખી સનત કુમારને કવિતા લખવાની વધારે સગવડ કરી આપતાં હતાં.

સનત કુમાર આ બધું સારી રીતે સમજી શક્તા હતા. કવિ મહા પ્રેમી પણ હોય છે. એટલે સુહાસિની પ્રત્યે સનત કુમારને અત્યંત પ્રેમ હતો. તેઓ ઘણી વખત સુહાસિનીના સુંદર મુખ તરફ જોઈ રહેતા. તેમણે પ્રેમ વિષે, પત્ની પ્રેમ વિષે કવિતાઓ પણ ઘણી લખી હતી. પરંતુ પ્રેમને નામે જીવનમાં પ્રવેશ પામતી નિરર્થકતાને તેઓ પોષી શકતા નહિ. એવી નિરર્થકતાઓ સામાન્ય માનવીના જીવનને