પૃષ્ઠ:Pankaj.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવતા : ૧૦૫
 

ભરી દે એની હરકત નહિ; પરંતુ કાવ્યઉપાસના માંડી બેઠેલા કવિથી એ નિરર્થકતાઓને આવકારી શકાય એમ નહોતું.

કાવ્ય સ્ફુરતું હોય તો પત્નીના મુખ સામે જોવું વાસ્તવિક છે; પરંતુ નિરર્થક પત્નીના મુખ સામે જોઈ સમય વ્યતીત કરવો કવિને ભાગ્યે જ ફાવે. કાવ્યની ચર્ચા કરી કાવ્યરસનું આસ્વાદન કરાતું હોય તો પત્ની સાથે બોલવું બેશક જરૂરનું છે; પરંતુ ઘર ધોળવાની કે ચોખા મંગાવવાની વાતમાં કવિને પડવું ભાગ્યે જ પાલવે. બાળક રોતું ન હોય તો તેને પાસે બોલાવી તેના હાસ્યમાંથી એકાદ કાવ્યનું સ્ફુરણ મેળવી શકાય, પરંતુ સ્ફુરણોને ગૂંગળાવતી ચીસ પાડતું બાળક કવિતા પોષક હોતું નથી. કવિતાને જે પોષક ન હોય તે કવિને કેમ ફાવે?

પર્વતમાળાનાં વર્ણન લખતી વખતે પત્ની આવી ગળે હાથ નાખી બેસે. એથી વર્ણનની તાદૃશ્યતા જરૂર ઘટી જાય. ઊડતી વાદળીનાં શબ્દચિત્ર કવિ દોરતા હોય અને પત્ની પાછળથી આવી આંખો ઉપર હાથ મૂકી દે એટલે વાદળીનું ચિત્ર ફિક્કું બને એ સહજ છે. ધૂમકેતુને સંબોધન લખતી વખતે પત્ની આવી ઝીણી ચૂંટી ભરી જાય તો સંબોધનની ભવ્યતામાં સામાન્ય ચિત્કાર દાખલ થાય અને કાવ્યરચના સામાન્ય બની જાય જ. ચંદ્રની ચાંદની વર્ણવતાં પત્ની ગલીપચી કરી જાય તો જરૂર ચાંદનીનો રંગ ઊડી જ જાય. કવિ કાવ્ય લખતા ન હોય તે વખતે પત્નીનો આખો મુકાયેલો હાથ કે ચમકાવતી ચૂંટી ઈચ્છવા યોગ્ય છે; પરંતુ કાવ્યલેખનન પ્રસંગે એ બધી ઝીણી ઝીણી રમતો શું નિરર્થક નથી બની જતી? રમતને જીવનમાં સ્થાન છે, પરંતુ કાવ્યકૃતિ તે તૈયાર થતી વખતે નહિ.

સુહાસિની કાવ્ય લખતા પતિના ખોળામાં જ એક દિવસે બેસી ગઈ.

'કેમ આમ?' પતિએ પૂછ્યું.

'ખુરશીમાં બીજી જગા જ ક્યાં છે? ' પત્નીએ જવાબ આપ્યો.