પૃષ્ઠ:Pankaj.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮ : પંકજ
 


'બધા જ સારું લખે છે. આ એક જ ટીકાકારને કોણ જાણે શું વેર છે?!'

‘વેર શાનું? આપણે એમ જ માનવું કે એકાદ વખોડનાર ન મળે તો નજર લાગે.'

'એ પણ વખાણ તો કરે જ છે. માત્ર કાવ્યમાં માનવતા નથી એમ કહે છે. એટલે શું ? માનવતાની વ્યાખ્યા શી?'

'વ્યાખ્યાને શું કરવી છે? એવી ટીકામાં જીવ રાખશો નહિ.'

આમ પતિ માગે ત્યારે પત્ની આશ્વાસન પણ આપતી. પરંતુ સોનાની થાળીમાં લોખંડની મેખ ખૂંચે તેમ સર્વવ્યાપી વખાણમાં થતી આટલી ટીકા સનત કુમારને ખૂંચ્યા કરતી હતી. તેમના કાવ્યગ્રંથો ઝડપથી લખાતા, ઝડપથી છપાતા અને ઝડપથી વેચાતા. કેટલાક સંગ્રહોની તો બીજી ત્રીજી આવૃત્તિઓ પણ થઈ ગઈ હતી. એક નવો કાવ્યસંગ્રહ લગભગ તૈયાર થઈ ચૂક્યો હતો. તેને છપાવવાની તૈયારી કરતી વખતે પછી પેલી ટીકાનો તેમને ભય ઉત્પન્ન થયો. આ ટીકા ન થાય માટે શું કરવું? ટીકાકારને રીઝવવાનો પ્રયત્ન કરવો એ તેમનાથી બને એમ હતું જ નહિ. તેમના તરફથી ટીકાનો જવાબ આપનારા અનેક પ્રશંસકોએ ઈચ્છા કરી જ હતી કે ટીકા કરનારે માનવતા શું અને તે ક્યાં નથી તે ચોક્કસ બતાવી આપવું જોઈએ. તેનો જવાબ ભાગ્યે જ મળતો. કવચિત્ મળતો તો એવી રીતનો કે 'કવિમાં માનવતા દેખાયે તે બતાવીશું. હમણાં તો તેનો કાવ્યમાં અભાવ છે એટલે સમજાવી શકાય એમ નથી.'

આ જવાબ વાજબી ન કહેવાય એમ સનત કુમાર જાણતા હતા છતાં આત્મનિરીક્ષણની કોઈ ઊર્મિમાં તેમનો વિચાર આવ્યો કે તેમણે પોતાનાં કાવ્યોને બારીકીથી પાછાં જોઈ જવાં. વિચાર આવતાં તે નિશ્ચય બની ગયો. કવિઓ દૃઢ નિશ્ચયવાળા હોય છે. તેમણે સુહાસિનીને કહ્યું :

'મારો વિચાર થોડા દિવસ કોઈ એકાન્તસ્થળે જવાનો થાય છે.'