પૃષ્ઠ:Pankaj.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪ : પંકજ
 

હતી કે મારે એક બાળકને ઉછેરવાનો છે; તે જાણીને જ તેણે પોતાનાં લગ્ન થવા દીધાં હતાં. પરંતુ બાળઉછેર એ માને જ અતિ વિકટ થઈ પડતો પ્રશ્ન અપરમાને તો ઘણો જ વિકટ થઈ પડે એવો હતો એની તેને પૂરી ખબર નહોતી. છતાં તેણે જવાબ આપ્યો : 'હા ભાઈ ! હું તમારી ખરી મા થાઉં, હો !'

'ત્યારે તમે મને “તું” કહીને કેમ બોલાવતાં નથી?'

'એમ કરીશ.'

'અને હું તમને શું કહું ?'

'બહેન કહેજો.'

મા કે બા જેવો શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી. પત્ની તરીકેના કંઈ કંઈ કોડ તેને પૂરવાના હતા. “મા” કે “બા” શબ્દ તો બહુ ઘરડો પડે એમ તેને લાગ્યું.

બાળક હતાશ થયો. એ તેની ખરી મા નહોતી. નિઃશ્વાસ નાખી તે ઊંઘી ગયો.


બીજી વાર લગ્ન કરનાર પુરુષને લોકો હસે છે, મહેણું મારે છે. ક્વચિત તેનો હળવો તિરસ્કાર પણ કરે છે. મોટે ભાગે સ્ત્રીઓ અને પત્નીસુખ ભોગવતા પુરુષો આ વૃત્તિ ધારણ કરે છે. સ્ત્રીઓની એ વૃત્તિ સકારણ છે. સ્ત્રીઓને સંસારસુખ વગર ચાલશે અને તેમણે ચલાવવું જ જોઈએ એવી પ્રથા પાડનાર પુરુષો સંસારસુખ વગર ક્ષણ પણ ચલાવી ન લે તો તેઓ સ્ત્રીઓના તિરસ્કારને પાત્ર છે જ. પરંતુ પત્નીસહ સંસારસુખ અનુભવતા પુરુષો પણ એ તિરસ્કારવૃત્તિ દેખાડવામાં સામેલ થાય ત્યારે તેમને કોઈ જરૂર કહી શકે કે એ હક તમારો નથી.

બાળક કુસુમાયુધના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. પુરુષના એ હકનો તત્કાળ સ્વીકાર થયો અને તેનાં લગ્ન થયાં. પુરુષ