પૃષ્ઠ:Pankaj.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨ : પંકજ
 

હૃદય અને સ્નેહીની આંખમાં બાહ્ય જગતનાં બધાં ય સૌન્દર્ય સમાયલાં હોય છે. સમષ્ટિ કે કુદરતમાં જે સૌન્દર્ય અને ભવ્યતા રહેલાં છે. તે સઘળાં એક વહાલસોયી પત્નીમાં સંક્રાન્ત થયેલાં હોય છે એટલું જ નહિ, પણ કુદરતના અસ્પૃશ્ય, અસ્પષ્ટ સૌન્દર્ય પત્નીમાં સ્પૃશ્ય અને સ્ફુટ બની જાય છે. જે કુદરતમાં નથી એ સ્નેહીમાં જડે છે. એ શું ? એ જ માનવતા તો નહિ? સ્નેહીને હડસેલી જે કુદરતને ભજે છે તે માનવતાને પામતો નથી : તે પામે છે માત્ર પ્રતિષ્ઠાનો પડછાયો.

કવિ સનતકુમારની તબિયત સુધરી ગઈ. પત્નીને પાસે બેસાડી ટપાલ જોતાં તેમના હાથમાં તેમની છેલ્લી કવિતાઓનાં સંગ્રહનાં છપાયેલાં પાનાં આવ્યાં.

'આ કવિતાઓ કોણે છપાવી?' તેમણે પૂછ્યું.

'તમે. વળી બીજા કોણે?' સુહાસિનીએ જવાબ આપ્યો.

'મે છેવટે તપાસી લીધાનું યાદ છે, પણ છપાવાની હા પાડી નથી.'

'મેં તે બધો સંગ્રહ પ્રકાશકને મોકલ્યો હતો. તમારી તબિયત સારી નહિ અને પ્રકાશક ઉતાવળ કર્યા કરતા હતા. તમે કવિતાઓ સુધારવા ગયા હતા એટલે મેં જાણ્યું કે હવે તે છપાવવાની જ છે.'

'પણ મારે સંગ્રહ છપાવવાનો નથી.'

'બધું છપાઈ ગયું છે. હવે તો પ્રસ્તાવના લખો એટલું જ બાકી છે.'

'મારે પ્રસ્તાવના લખવી યે નથી અને સંગ્રહ છપાયો હોય તો ય તે બહાર પાડવો નથી.'

'કેમ?'

'હું પેલી ટીકા સાથે મળતો થાઉં છું.'