પૃષ્ઠ:Pankaj.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વૃદ્ધ સ્નેહ : ૧૧૭
 

વારંવાર નજર બહાર કાઢી તેઓ પ્રભાલક્ષ્મી તરફ જોતા હતા. કોઈ છોકરું બોલે, પુત્ર દવા પાય, પુત્રવધૂ કાંઈ ફળ આપે અગર કોઈ આવે કે જાય એ પ્રસંગોનો પણ લાભ લઈ પોતાની પત્ની તરફ તેઓ નિહાળતા. પ્રભાલક્ષ્મી તરફ સહુનું લક્ષ રહેતું કે પ્રમોદરાયની નજર તપાસવાની ભાગ્યે જ કોઈને ફુરસદ મળતી. માત્ર નાના પુત્રની વહુ વીણા ક્વચિત વૃદ્ધ પતિપત્નીની નજર પકડતી, અને ગમે તે બહાને હસી લેતી.

પ્રભાલક્ષ્મીનો આ નિ:શ્વાસ સાંભળી પ્રમોદરાયે તેમની તરફ જોયું. પ્રભાલક્ષ્મીએ નજર ફેરવી નાખી અને હસવાની તૈયારી કરતી વીણાને પૂછ્યું :

'એમને કૉફી કરી આપી?'

'હા, બહેન કોફી કરી લાવે છે. તમે શું કરવા ચિંતા કરો છો ?' કહી પુત્રવધૂએ હસી લીધું.

ચાળીશ વર્ષના સતત સહવાસ પછી પત્નીની પતિ માટેની ચિંતા વધે કે ઘટે તેની વીણાને ખબર ન હતી.

બધાંએ કોફી પીધી, તે સાથે પ્રમોદરાયે પણ પીધી.

'એમને પાન કરી આપ ને, બેટા !' પ્રભાલક્ષ્મીએ વીણાને વિનવણી કરી.

'હા જી, કરું છું.' કહી વીણાએ પાન કરવા માંડ્યું, અને પોતાની જેઠાણી તથા નણંદોને હસાવવા માટે વૃદ્ધ સાસુની સસરા માટેની કાળજીનું એક દૃષ્ટાંત તેણે મનમાં નોંધી રાખ્યું.

'બા ! હવે તું સૂઈ જા.' પુત્રે માતાને સલાહ આપી પ્રભાલક્ષ્મી માટે સહુને ભાવ હતો. પુત્રપુત્રીને તો સ્વાભાવિક રીતે લાગણી થાય; પરંતુ પુત્રવધૂઓ પણ તેમનું મા સરખું જતન કરતી હતી, કારણ પ્રભાલક્ષ્મીએ કદી સાસુપણું કર્યું નહોતું; એટલે તેમને આરામથી સુવાડવા બધાંએ ટેકો આપ્યો.

સૂતે સૂતે પ્રભાલક્ષ્મીએ જોયું કે પ્રમોદરાય પણ પાસે આવીને