પૃષ્ઠ:Pankaj.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮: પંકજ
 

તેમને સુવાડવામાં મદદ કરવા આવી ઊભા હતા. અલબત્ત, તેમને એ મદદ કરવાની જરૂર નહોતી; તેમણે હાથ અડાડ્યો પણ નહિ. છતાં તેમને પાસે આવી ઊભેલા જોતાં પ્રભાલક્ષ્મીએ કહ્યું :

'તમે શું કરવા મંથન કરો છો? જરા બેસો ને ! છોકરાંબિચારાં મહેનત કરે છે !'

પ્રમોદરાય પાછા જઈને ખુરશી ઉપર બેઠા. થોડી વારે કોઈ મળવા આવ્યું એટલે એ ઓરડો છોડવાની તેમને જરૂર પડી. તેમણે પ્રભાલક્ષ્મી પાસે આવી કહ્યું :

'હું તરત પાછો આવું છું.'

'શું કરવાને ? જરા આરામ લ્યો. કોઈની સાથે વાત કરો. ફરવાની તો આવી ટેવ છે. અને અહીં બેસી રહો છો?' પ્રભાલક્ષ્મી હજુ લાંબું બોલત, પરંતુ તેમને થાક લાગ્યો અને તેમણે આંખ મીંચી દીધી. એ આંખ ઊઘડી ત્યાં સુધી પ્રમોદરાય ત્યાં જ ઊભા રહ્યા. પ્રભાલક્ષ્મીએ આંખ ઉઘાડી એટલે તેમણે કહ્યું

'ત્યારે હું જઈ આવું ?'

'હા.' કહી પ્રભાલક્ષ્મીએ વીણા સામે જોયું અને સાસુવહુ બંને સહજ હસ્યાં.

પ્રમોદરાયના ગયા પછી પ્રભાલક્ષ્મીએ પુત્ર, પુત્રવધૂ અને દીકરીઓને જરા પાસે બોલાવ્યાં.

'કેમ? કેમ બા? શું જોઈએ ?' સહુએ પૂછ્યું.

'છે તો કાંઈ નહિ, પણ એક વાત જરા ધ્યાનમાં રાખજો.'

'હા હા, કહે.' પુત્રે કહ્યું.

'મને હવે એકબે દિવસની મહેમાન ધારજો.'

'એય, શું તું ય એમ કહે છે? ડૉક્ટર તો એક અઠવાડિયામાં તું બેસતી થઈશ એમ કહેતા હતા.' બીજા પુત્રે કહ્યું.