પૃષ્ઠ:Pankaj.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વૃદ્ધ સ્નેહ : ૧૧૯
 


'ભલે, પણ મને વિશ્વાસ નથી. હું જીવીશ કે મરીશ એ સરખું જ છે.'

દીકરીઓ તથા વહુઓની આંખો ભીંજાઈ.

'તમે બધાં કહ્યાગરાં છો–સમજણાં છો, એટલે કાંઈ કહેવાપણું તો નથી. તો ય આટલું કહું છું : એમની મરજી સાચવજો.'

પ્રભાલક્ષ્મી થાક લાગવાથી અટક્યાં. તેમનાં સંતાન શાંત ઊભાં રહ્યાં. જરા વારે તેમણે પાછું કહ્યું :

'કોઈને કશું કહે એવા નથી. સામે ચાલીને કાંઈ માગે એવા ય નથી.'

એટલામાં પ્રમોદરાય ઓરડામાં આવ્યા. પલંગની આસપાસ બધાને ઊભેલાં જોઈ તેઓ ઝડપથી નજીક આવી પૂછવા લાગ્યા :

'શું છે? શું થયું?'

'કાંઈ નહિ; શું થવાનું છે? આવો શો અધીરો જીવ ?' પ્રભાલક્ષ્મી બોલ્યાં અને આંખો મીંચી.

પ્રમોદરાય થોડી વાર ઊભા રહ્યા. એકાએક તેમણે પ્રજાલક્ષ્મીનો હાથ પકડ્યો અને નાડી જોવા લાગ્યા. પ્રભાલક્ષ્મીએ મહા મહેનતે આંખ ઉધાડી. પોતાના હાથનાં આંગળાં પ્રમોદરાયના નાડી જોતા હાથને અડક્યાં, અને તેઓ સહજ હસ્યાં. એ ઊઘડેલી આંખ, અડકી રહેલાં આંગળાં અને સ્મિતભર્યું મુખ એમનાં એમ સ્થિર થઈ ગયાં.

'થયું.' કહી પ્રમોદરાયે હાથ નીચે મૂકી દીધો. ખોટી દોડાદોડ થવા લાગી. ઘરનાં છોકરાંને ભેગાં કરી એકબે માણસો સાથે બહાર મોકલી દીધાં.

ડૉક્ટર ઝડપથી આવ્યા. તેમણે પણ હાથ જોયો અને કહ્યું : 'કાંઈ નથી !'

સ્ત્રીઓ આછું આછું રડવા લાગી. પ્રમોદરાય ખુરશી ઉપર બેઠા હતા તે ઊઠીને પાસે આવ્યા. તેમણે સહુને ધીરજ આપતાં બોધ કર્યો.

સગાંસંબંધીઓ આવ્યાં. એ ઘડી પહેલાં જે દેહની પૂજા થતી