પૃષ્ઠ:Pankaj.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦ : પંકજ
 

હતી તે દેહને ઘરબહાર કર્યો. એટલું જ નહિ, તે અગ્નિમાં ભસ્મ પણ કર્યો. પ્રમોદરાયની આંખમાંથી એકે આંસુ પડ્યું નહિ. પોતાની સંતતિને તેમણે ઊલટું ભારે આશ્વાસન આપ્યું.

છતાં ઘર સહુની માફક તેમને પણ ખાલી ખાલી લાગતું જ હતું. પ્રભાલક્ષ્મીની કોઈ જરૂર ન હતી. તેમના અસ્તિત્વ વગર ઘર ચાલે નહિ એવું કશું નહોતું. પુત્ર, પુત્રીઓ અને પુત્રવધૂ ઉમ્મરલાયક હતાં. વળી પ્રભાલક્ષ્મી સાઠ વર્ષની ઉપર પહોંચ્યાં હતાં, એટલે મૃત્યુ સમયની તેમની ઉમર છેક નાની કહેવાય એમ નહોતું, તે છતાં સહુની દિલગીરીનો પાર નહોતો. પ્રમોદરાય સિવાય કોઈ આશ્વાસન આપી શકે એમ નહોતું. આંખો ચોળતી પુત્રવધૂને તેઓ કહેતા :

'ક્યાં સુધી રડશો ? તમારી ચાકરી પામીને એ જીવ તો સુખી થઈ ગયો.'

વહુઓ આંખે લૂગડું ઢાંકી વધારે રડતી.

પુત્રીઓને તેઓ કહેતા :

'જુઓ, તમને સુખી જોઈ અમે જઈએ એમાં ખોટું શું?' પરંતુ પુત્રીઓને એ દલીલ સમજાતી નહિ.

જમવાની ના પાડતા પુત્રને તેમણે પાસે બોલાવ્યો અને સમજાવ્યો :

'આમ ઢીલો બની જઈશ તો દુનિયામાં રહેવાશે કેમ? ઉમ્મર થઈ હતી. એ જાય એનું આવું દુ:ખ ન રખાય. ચાલ જમવા બેસ મારી સાથે.'

ત્રીજે પહોરે અનેક મિત્રો અને સંબંધીઓ આશ્વાસન આપવા આવ્યાં. સહુએ પ્રભાલક્ષ્મીનાં વખાણ કર્યા. અને તેમની ખોટ બદલ શોક પ્રદર્શિત કર્યો. વ્યવહારની દૃષ્ટિએ ખરેખર પ્રભાલક્ષ્મીના મૃત્યુથી કાંઈ ભારે ખોટ ગઈ એમ કહેવાય નહિ; છતાં એ સૂચન બીજું કોઈ કરતું ત્યારે પ્રમોદરાયનું હૃદય ઘવાતું.

'ખોટું તો ઘણું થયું, પણ હવે ઉમ્મર થઈ હતી.' કોઈકે મોટી ઉમ્મરમાં આશ્વાસન લેવા જણાવ્યું. પ્રમોદરાય પોતે પણ પોતાનાં