પૃષ્ઠ:Pankaj.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વૃદ્ધ સ્નેહ : ૧૨૧
 

પુત્રપુત્રીને એવી જ રીતે આશ્વાસન આપતા હતા; છતાં ઉમ્મરની આ વાત તેમને ગોઠી નહિ.

'શું એ એટલી બધી મોટી હતી કે તેનું મૃત્યુ સહજ ગણાય?' તેમના મનમાં વિચાર આવતો.

કોઈ વૃદ્ધે ધીરજ આપી :

'જે થયું તે ખરું; પણ બધાંમાં તમને મૂકીને ગયાં એ સારી વાત.' પ્રમોદરાયે પુત્રીઓને એમ જ કહ્યું હતું છતાં તે વૃદ્ધ સંબંધીનું કથન તેમને જરા પણ રુચ્યું નહિ.

‘મને મૂકી એ ગઈ એમાં સારું શું થયું ? આ બધાં યે મારાં છે એ ખરું, પણ....પણ...'

પ્રમોદરાયને આખા જગતમાં એકાંત ફેલાઈ ગયું દેખાયું. ઘરમાં ફરતાં પોતાનાં જ પુત્રપુત્રી ચિત્રપટ સરખાં અસ્પૃશ્ય લાગ્યાં. પોતાના જીવનમાંથી કશું સત્ત્વ ઊડી ગયું હોય એમ સર્વત્ર ખાલીપણાનો તેમને અનુભવ થયો.

પ્રમોદરાય એકલા પડ્યા. ખુરશી ઉપર બેસી તેમણે રોજની રીત પ્રમાણે એક બાજુએ નજર ફેંકી, પ્રભાલક્ષ્મી ત્યાં નહોતાં – એટલું જ નહિં પણ તેમનો પલંગ ત્યાં નહોતો. તેમને ભૂતકાળ યાદ આવ્યો. ભૂતકાળનાં મસ્તીતોફાનનાં દ્રશ્ય કંઈક વર્ષોથી રસ ઉપજાવતાં બંધ પડ્યાં હતાં. ગરીબીમાં ઘર ચલાવતી, પતિનાં કપડાં સંભાળતી, મહેમાનો માટે પથારીઓ પાથરતી, કવચિત્ વાસણો માંજી નાખતી યુવાન પત્ની તેમણે નિહાળી.

'કોઈ દિવસ એણે કંટાળો બતાવ્યો નથી. પ્રમોદરાયનું મન બોલી ઊઠ્યુ.

પલંગ રહેતો હતો તે બાજુએ તેમણે નજર કરી અને નિ:શ્વાસ નાખ્યો. સહજ આંખ મીચી, ત્યાં તેમને ફરી યુવાન પ્રભાલક્ષ્મી