પૃષ્ઠ:Pankaj.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વૃદ્ધ સ્નેહી : ૧૨૫
 


'શું થયું બેટા? કોણ વઢ્યું?'

'કોઈ નહિ.' બાળકીએ રુદન વચ્ચે મીઠ્ઠો જવાબ આપ્યો.

'ત્યારે આમ રડે છે શા માટે?'

‘મારે મા પાસે બેસી જમવું છે.' ઉષાએ રડતે રડતે કહ્યું. પ્રભાલક્ષ્મીને બધાં છોકરાં 'મા' કહેતાં હતાં. ઉષાને તો રાત પડ્યે 'મા' પાસે બેસીને જ જમવાની ટેવ હતી. એટલું જ નહિ, તેમનો હાથ અડકે ત્યારે જ ઊંધ આવે એવી આદત તેને પડી હતી.

પ્રમોદરાય ગૂંચવાયા. બાળકીને શો જવાબ આપવો તે તેમને તત્કાળ સમજાયું નહિ; છતાં ઉષાની આંખ લૂછતે લૂછતે તેમણે કહ્યું:

'જો. તારી "મા” તો ભગવાનને ઘેર ગઈ છે.'

'તે મને મૂકીને કેમ ગયાં?' ઉષાએ રુદન વધારતાં પોતાની ફરિયાદ રજૂ કરી.

પ્રમોદરાયનું હૃદય જરા ધડક્યું બાળકીના દેહ ઉપર હાથ ફેરવતાં તેમણે કહ્યું :

'ચાલ દીકરા, હું જમાડું ?'

'ના, હું તો “મા” પાસે જ જમીશ.' ઉષાનું રુદન અટક્યું નહોતું.

'“મા”થી પાછાં ન અવાય, દીકરી !' દાદાએ હકીકત જણાવી.

'ત્યારે મને મુકીને કેમ ગયાં?...' કુમળું લાંબુ રુદન કરતી ઉષા બોલી.

—અને પ્રમોદરાયે અત્યાર સુધી દબાવી રાખેલાં આંસુ દૃઢતાની પાળો તોડી વહી રહ્યાં. ઉષાને છાતીસરસી દબાવી રૂદનમય અવાજે તેમણે કહ્યું :

'બધાંને એના વગર ચાલ્યું, તને ન ચાલ્યું, દીકરી !'

—અને આખો ઓરડો આંસુથી ભરાઈ ગયો.