પૃષ્ઠ:Pankaj.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કીર્તિ કેરા કોટડા


'વંદે માતરમ્ ! મહાત્મા ગાંધી કી જય ! જયંતકુમાર કી જય !' સ્ટેશને ગાડી ઊભી રહી, અને લોકોનું મોટું ટોળું જયનાદ કરી ઊઠ્યું. ગાડીની બારીઓ પાસે બેઠેલા ઉતારુ ટોળાં તરફ જોવા લાગ્યા. અંદર બેઠેલા બારીઓ ઉપર ગિરદી કરવા લાગ્યા. ટોળાંમાં ભારે ઉશ્કેરાટ હતો. જયનાદ વધ્યે જતો હતો, અને વગર તકરારે ખુશમિજાજભર્યા ધક્કાધક્કી પણ સારી રીતે થતાં હતાં.

ટોળાંમાંથી ત્રેવીસેક વર્ષનો દેખાવડો યુવક ગાડી ભણી આવતો દેખાયો. તેણે લટકતું ખાદીનું ધોતિયું, સ્વચ્છ લાંબી બાંયની કફની, વાંકી ગોઠવેલી ગાંધીટોપી, મોટાં ગોળ કાચનાં ચશ્મા અને ચંપલ પહેર્યાં હતાં. ધીરગંભીર ગતિએ ચાલતા એ યુવકના ગળામાં ફૂલહાર હતા અને તે ઉપરાંત બીજા ગળે વીંટળાયે જતા હતા.

'જયંતકુમારની જય !'

ફરી જયઘોષ થયો. મીઠે મુખડે, લળી લળીને તેણે ચારે પાસ નમસ્કાર વેર્યા. સેકન્ડ કલાસના એક ડબ્બા આગળ એ યુવક અટક્યો અને ટોળાંએ ડબ્બાને ઘેરી લીધો. યુવકે નીચે જ ઊભા રહી ટોળામાંથી